નવસારીના કરાડી ગામે ગણેશજીની મૂર્તિ લઈ જતી વખતે વીજ કરંટ લાગતા 2નાં મોત, 5ને ઈજા
- લોખંડના પાઈપથી હાઈટેન્શન લાઈન ઊંચી કરવાનો પ્રયાસ કર્યો,
- લોખંડનો પાઈપ હાઈટેન્શન વાયર સાથે અડી જતાં કુલ 7 લોકોને કરંટ લાગ્યો હતો,
- 9 ફૂટથી ઊંચી ગણપતિની મૂર્તિ ન લાવવાનો પ્રતિબંધ છતાં મોટી મૂર્તિઓ જોવા મળી,
નવસારીઃ જિલ્લાના જલાલપોર તાલુકાના કરાડી ગામમાં ગઈકાલે મોડી રાત્રે ગણેશોત્સવના પંડાલમાં ગણેશજીની મૂર્તિ લઈ જતી વખતે લોખંડનો પાઈપ હાઈટેન્શન વાયર સાથે અડી જતાં કુલ 7 લોકોને કરંટ લાગ્યો હતો. જે પૈકી બેના મોત નીપજ્યા છે જ્યારે 5 લોકો ઈજાગ્રસ્ત થયા છે. પોલીસ સૂત્રોના કહેવા મુજબ આ દુર્ઘટનામાં પ્રિતેશ પટેલ અને મિતુલ પટેલનું મોત નિપજ્યું છે. જ્યારે કેયુર પટેલ, નિશાંત પટેલ, વિજય પટેલ, કરીશ પટેલ અને નિલેશ પટેલને ગંભીર ઈજાઓ થતાં તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
આ બનાવની વિગત એવી છે કે, નવસારી જિલ્લાના જલાલપોરના કરાડી ગામે ગણેશોત્સવનું આયોજન કરાયુ છે. જેમાં ગત કાલે મોડી રાતે ગણપતિની મૂર્તિ લઈ જતી વખતે લોખંડના પાઈપથી હાઈટેન્શન લાઈન ઊંચી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન વાયર જોઈન્ટ થઈ જતાં 7 લોકોને કરંટ લાગ્યો હતો. જેમાં પ્રિતેશ પટેલ અને મિતુલ પટેલનું મોત નિપજ્યું છે. જ્યારે કેયુર પટેલ, નિશાંત પટેલ, વિજય પટેલ, કરીશ પટેલ અને નિલેશ પટેલને ગંભીર ઈજાઓ થતાં તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. હાલ જલાલપોર પોલીસે આ ઘટના અંગે તપાસ શરૂ કરી છે. બન્ને યુવાનોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે નવસારી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
જલાલપોર પોલીસે આ ઘટના અંગે તપાસ શરૂ કરી છે. નવસારી જિલ્લામાં 9 ફૂટથી ઊંચી ગણપતિની પ્રતિમા ન લાવવાનો પ્રતિબંધ હોવા છતાં શહેર અને જિલ્લામાં મોટી મૂર્તિઓ જોવા મળી રહી છે.