ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં TBના 2.78 લાખ કેસ નોંધાયા
- ગુજરાતમાં ટીબીને લીધે બે વર્ષમાં 10 હજારથી વધુના મોત નિપજ્યા,
- અમદાવાદ જિલ્લામાં ટીબીના સૌથી વધુ 19000 કેસ,
- યુવાનો ટીબીનો ભોગ બનતા ચિંતાજનક વિષય
અમદાવાદઃ ગુજરાત સહિત દેશભરમાં ટ્યૂબરક્યુલોસિસ (TB) નિર્મૂલન ઝૂંબેશનો પ્રારંભ કરાયો છે. ગુજરાતમાં પણ ખાનપાન, હવામાન સહિતના કારણોને લીધે ટીબીના દર્દીઓમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. ત્યારે ટી.બી. નિર્મૂલન ઝૂંબેશના દાવા અને વાસ્તવિક્તા વચ્ચે જમીન-આસમાનનો તફાવત છે. ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં જ ટી.બી.ના 2.78 લાખથી વધુ કેસ નોંધાઇ ચૂક્યા છે. જ્યારે 10389ના મૃત્યુ થયા છે. આ પૈકી આ વર્ષે જ 4413 વ્યક્તિએ ટી.બી.ની બિમારીથી જીવ ગુમાવ્યો છે.
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી ટીબીના દર્દીઓ વધતા જાય છે. રાજ્યમાં આ વર્ષે 26મી ડિસેમ્બર સુધીમાં ટી.બી.ના 1.34 લાખ કેસ નોંધાઇ ચૂક્યા છે. આમ, દર વર્ષે ટી.બી.ના એક લાખથી વધુ કેસ નોંધાવવાનો સિલસિલો યથાવત્ છે. અમદાવાદ શહેરની વાત કરીએ તો વર્ષ 2024માં સૌથી વધુ 15, 394 કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદ ગ્રામ્યમાં 3,557 કેસ નોંધાયા છે. અમદાવાદ જિલ્લામાં આ વર્ષે જ 18,951 કેસ નોંધાઇ ચૂક્યા છે આમ ટીબીમાં અમદાવાદ શહેર અને જિલ્લો પ્રથમ સ્થાને છે. જ્યારે સૌથી વધુ કેસ નોંધાયા હોય તેમાં સુરત 15,149 કેસ સાથે બીજા સ્થાને છે.
ગુજરાતમાં ખાસ કરીને યુવાનોમાં ટી.બી.ના વધતા જતાં કેસ ચિંતાનો વિષય છે. ડોક્ટરોના મતે, વાળ અને નખ સિવાય ટી.બી. શરીરના કોઈ પણ ભાગને અસર કરી શકે છે. પરંતુ મોટાભાગે ફેફસાંમાં થાય છે, જે પલ્મોનરી ટી.બી. કહેવાય છે. પલ્મોનરી ટીબીનો ચેપ સક્રિય બને તો અંદાજે 90 ટકા કેસમાં તે ફેફસાંને અસર કરે છે, તેના લક્ષણોમાં છાતીમાં દુઃખાવો તથા લાંબા ગાળા સુધી ગળફા સાથેની ખાંસી થાય છે. અંદાજે 25 ટકા લોકોમાં કોઈ લક્ષણ ન પણ જોવા મળે. ક્યારેક લોકોને ગળફામાં થોડું લોહી પડી શકે છે અને બહુ દુર્લભ કિસ્સામાં પલ્મોનરી આર્ટરીમાં ચેપ લાગતા ઘણું વધુ લોહી વહી શકે છે. ગંભીર ટી.બી.માં ફેફસાંના ઉપલા ભાગને વધુ અસર થઈ શકે છે. 15થી 20 ટકા એક્ટિવ કેસમાં ચેપ ફેફસાંની બહાર ફેલાઈ શકે છે. જેનાથી અન્ય પ્રકારનો ટી.બી. થાય છે, જેને એક્સ્ટ્રાપલ્મોનરી ટી.બી. કહેવામાં આવે છે. આ પ્રકારનો ટીબી મોટાભાગે ઓછી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકો તથા નાના બાળકોને થાય છે. ટી.બી.ના વધુ ગંભીર અને વ્યાપક પ્રકારને ડિસસેમિનેટેડ ટ્યૂબરક્યુલોસિસ કહે છે જેને જે એકસ્ટ્રાપલ્મોનરી કેસીસમાં આશરે 10 ટકા છે.