ગુજરાતમાં ૨.૧૮ લાખ બાળકોને હૃદય, કિડની, કેન્સર, લીવર ટ્રાન્સપ્લાન્ટની સારવાર અપાઈ
- ‘શાળા આરોગ્ય-રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય’ કાર્યક્રમ હેઠળ રાજ્યમાં ૧૧ વર્ષમાં ૧૫.૮૯ કરોડ બાળકોની વિનામૂલ્યે આરોગ્યલક્ષી તપાસ કરવામાં આવી
- યોજના અંતર્ગત નવજાત શિશુથી ૧૮ વર્ષ સુધીના તમામ બાળકોને આવરી લેવામાં આવે છે
- દર વર્ષે અંદાજે ૧.૮૯ કરોડથી વધુ બાળકોની આરોગ્ય ચકાસણી થાય છે
રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા બાળકો સહિત તમામ નાગરિકોના આરોગ્યની સતત કાળજી લેવામાં આવી રહી છે. આ અંગે વિગતો આપતા આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, ‘શાળા આરોગ્ય-રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય’(SH-RBSK) કાર્યક્રમ અંતર્ગત છેલ્લા ૧૧ વર્ષ એટલે ૧૫.૮૯ કરોડ કરતાં વધુ બાળકોની વિનામૂલ્યે આરોગ્યલક્ષી તપાસ કરવામાં આવી છે. સુપર સ્પેશિયાલિટી તરીકે ૧.૬૭ લાખ હ્રદય સંબંધિત સર્જરી અને સારવાર, ૨૦ હજાર કરતાં વધુ કિડનીની સારવાર થઈ. ૧૧ હજાર જેટલા બાળકોની કેન્સર સારવાર, ૨૦૬ બાળકોની કિડની ટ્રાન્સપ્લાન્ટ, ૩૭ લીવર ટ્રાન્સપ્લાન્ટ, ૨૧૧ બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા. ૩,૨૬૦ કોક્લિયર ઇમ્પ્લાન્ટ સહિતની વિવિધ બિમારીઓ અંતર્ગત કુલ ૨.૧૮ લાખ કરતાં વધુ બાળકોને વિનામૂલ્યે સારવાર આપવામાં આવી છે.
આરોગ્ય મંત્રીએ કહ્યું હતું કે, ગુજરાત સરકાર દ્વારા રાજ્યની ભવિષ્યની પેઢીને વધુ તંદુરસ્ત બનાવવાના હેતુસર ‘શાળા આરોગ્ય-રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય’ કાર્યક્રમ(SH-RBSK) યોજના અમલી બનાવવામાં આવી છે. યોજના અંતર્ગત નવજાત શિશુથી ૧૮ વર્ષ સુધીના તમામ બાળકોને આવરી લેવામાં આવે છે. આંગણવાડી, પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક તથા શાળામાં ન જતાં બાળકોની નિયમિત આરોગ્ય તપાસ, સ્ક્રીનીંગ અને જરૂરી સારવાર રાજ્ય સરકાર દ્વારા નિ:શુલ્ક પૂરી પાડવામાં આવે છે.
તેમણે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્યમાં ‘શાળા આરોગ્ય-રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય’ કાર્યક્રમ હેઠળ રાજ્યમાં કુલ ૯૯૨ મોબાઇલ હેલ્થ ટીમો કાર્યરત છે. દરેક ટીમમાં બે આયુષ મેડિકલ ઓફિસર, ફાર્માસિસ્ટ તથા ANMનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તમામ ડિલિવરી પોઇન્ટ પર નવજાત શિશુઓનું બર્થ ડિફેક્ટ 4D સ્ક્રીનીંગ પણ કરવામાં આવે છે.
વધુમાં, આરોગ્ય શિક્ષણ, પોષણ, સ્વચ્છતા, કાઉન્સેલિંગ વગેરે સેવાઓ સાથે એનિમિયા, પોષણની ઉણપ, દ્રષ્ટિ-શ્રવણ સમસ્યા, દાંત-ત્વચા-હૃદય સંબંધિત ખામી, શીખવાનો વિલંબ, વર્તન સમસ્યાઓ વગેરેની તપાસ અને સારવાર પણ આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવે છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
આરોગ્ય મંત્રી પાનશેરીયાએ કહ્યું હતું કે, દર વર્ષે અંદાજે ૧.૮૯ કરોડથી વધુ બાળકોની આરોગ્ય ચકાસણી થાય છે. જરૂરિયાત મુજબ PHC CHC/SDH, જિલ્લા હોસ્પિટલ, મેડિકલ કોલેજ અથવા સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં વિનામૂલ્યે રીફરલ સારવાર આપવામાં આવે છે. આ ઉપરાંત નિદાન, રિફરલ અને સારવાર માટે રાજ્યમાં ૨૮ જિલ્લા અર્લી ઇન્ટરવેન્શન સેન્ટર(DIEC) કાર્યરત છે. SH-RBSK કાર્યક્રમ સર્વ શિક્ષા અભિયાન અને ટેકો પોર્ટલ સાથે ઇન્ટીગ્રેટેડ છે, જેથી દરેક બાળકની આરોગ્ય માહિતી ડિજિટલ રીતે ઉપલબ્ધ કરવામાં આવી છે. તદુપરાંત રાજ્ય સરકાર દ્વારા કોક્લિયર ઇમ્પ્લાન્ટ કરાવેલ બાળકોને બીજી વખત પ્રોસેસર વિનામૂલ્યે આપવામાં આવે છે.
આમ, ‘શાળા આરોગ્ય-રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ’ એ નવજાત બાળકથી ૧૮ વર્ષ સુધીના તમામ બાળકોના સર્વાંગી આરોગ્ય માટેની એક સમગ્ર વિનામૂલ્યે અને ટેકનોલોજી આધારિત પહેલ છે, જે ભવિષ્યની પેઢીને વધુ સ્વસ્થ અને સક્ષમ બનાવે છે, તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.