ભાવનગર શહેર- જિલ્લામાં 517 વીજ કનેકશનોમાં 2.16 કરોડની વીજચોરી પકડાઈ
• PGVCLએ 40 ટીમો સાથે વીજ ચેકિંગ ઝૂંબેશ આદરી
• વીજલોસ વધુ હતો એવા વિસ્તારો ટાર્ગેટ કરાયા
• એક જ સપ્તાહમાં કરોડોની વીજ ચોરી પકડાઈ
ભાવનગરઃ શહેર અને જિલ્લામાં વીજળીની ચોરીના બનાવો વધતા વીજ લાઈન લોસમાં વધારો થતાં પીજીવીસીએલ દ્વારા ગત 2જી થી 7મી ડિસેમ્બર દરમિયાન વીજ ચેકિંગ માટે કોર્પોરેટ ડ્રાઈવ યોજવામાં આવી હતી. જેમાં રહેણાંકી, કોમર્શિયલ અને ખેતીવાડીના 500થી વધારે વીજ કનેક્શનમાં રૂપિયા બે કરોડથી વધારેની વીજ ચોરી પકડી પાડવામાં આવી હતી. ભાવનગર શહેર અને જિલ્લાના જ્યોતિગ્રામ કનેક્શનોમાં 40 ટકા લોસને રિકવર કરવા માટે વીજતંત્રની 40 ટીમો દ્વારા ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
ભાવનગર શહેર અને જિલ્લામાં પીજીવીસીએલ દ્વારા ગત તા.2જી થી 7મી ડિસેમ્બર દરમિયાન વીજ ચેકિંગ માટે કોર્પોરેટ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. જેમાં જિલ્લાના પાલિતાણા, ગારિયાધાર, તળાજા, ત્રાપજ, જેસર, મહુવા અને ભાવનગર સીટી વિસ્તારમાં આવેલા રહેણાંકી, કોમર્શિયલ અને ખેતીવાડીના 2100 વીજ કનેક્શન ચેક કરવામાં આવ્યા હતા. જેમાં 491 રહેણાંકી, 8 ખેતીવાડી અને 17 કોમર્શિયલ કનેક્શનોમાં વીજચોરી ઝડપાતા દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. કોમર્શિયલ કનેક્શનોમાં ગ્રામ્ય વિસ્તાર અને તાલુકા કક્ષામાં આવેલી દુકાનોમાં વીજચોરી ઝડપાઈ હતી.
પીજીવીસીએલની અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર અને ભાવનગરની જુદી-જુદી 40 ટીમો દ્વારા સતત સાત દિવસ સુધી પોલીસ અને એસઆરપીની સુરક્ષા સાથે વીજ ચેકિંગની કામગીરી કરવામાં આવી હતી. જેમાં સાત દિવસ દરમિયાન કુલ 517 વીજ જોડાણોમાં વિવિધ પ્રકારની પદ્ધતિથી કુલ રૂપિયા 2.16 કરોડની વીજચોરી ઝડપાતા વીજતંત્ર દ્વારા દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી છે. હાલની સ્થિતિએ વીજતંત્ર જ્યોતિગ્રામ કનેક્શનોમાં 40 ટકા વીજલોસ કરી રહ્યું છે, જેને રિકવર કરવા વીજતંત્ર દ્વારા સમયાંતરે આવી ડ્રાઈવ આગામી દિવસોમાં પણ શરૂ રહેશે.