પાકિસ્તાન-અફઘાનિસ્તાન સરહદ અથડામણમાં 19 પાકિસ્તાની સૈનિકો અને 3 અફઘાન નાગરિકોના મોત
પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેની સરહદે બન્ને દેશોના દળો વચ્ચે ભારે અથડામણ થતાં 19 પાકિસ્તાની સૈનિકો અને 3 અફઘાન નાગરિકોના મૃત્યુ થયા છે. આ ઘટનાઓ ખોસ્ટ અને પક્તિકા પ્રાંતમાં નોંધાઈ છે, જે અફઘાનિસ્તાનના પૂર્વ ભાગમાં પાકિસ્તાનની સરહદ સાથે જોડાયેલ છે.
મળતી માહિતી અનુસાર, અફઘાન સરહદી દળોએ પાકિસ્તાનની સરહદ પર આવેલી સૈન્ય ચોકીઓને નિશાન બનાવી હતી. આ દરમ્યાન પાકિસ્તાનની જવાબી કાર્યવાહી થઈ હતી, જેના પગલે બન્ને પક્ષોમાં ભીષણ ગોળીબાર થયો. અફઘાન દળોએ પાકિસ્તાનની કેટલીક ચોકીઓ પર આગ લગાવવાના સમાચાર પણ બહાર આવ્યા છે.
આ અથડામણમાં 19 પાકિસ્તાની સૈનિકોના જીવ ગુમાવવાના સમાચાર છે, જ્યારે અનેક ઘાયલ છે. બીજી તરફ, 3 અફઘાન નાગરિકોના મૃત્યુના અહેવાલ છે, અને કેટલાક સ્થાનિક લોકોને ગંભીર ઈજાઓ થઈ છે. બન્ને દેશોએ આ પરિસ્થિતિમાં શું પગલાં ભરવાં એ આવનારા દિવસોમાં સ્પષ્ટ થશે, પરંતુ આ અથડામણ રાષ્ટ્રીય સુરક્ષા અને સ્થિરતા માટે ગંભીર ચેતવણીરૂપ છે.