બનાસકાંઠામાં પૂરગ્રસ્તોને 18000 રાશન કીટ અને 3.63 લાખ ફુડ પેકેટનું વિતરણ
- જિલ્લા વહીવટીતંત્ર, બનાસ ડેરી અને સ્વૈચ્છિક સંસ્થાઓ સંયુક્ત રીતે રાહત કામગીરી,
- 3,90,000 પાણીની બોટલનું પણ વિતરણ કરાયુ,
- 297 ગામોમાંથી 294માં વીજળી શરૂ, 1863 તૂટેલા પોલમાંથી 600 ઊભા કરાયા
પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લાના સુઈગામ, ભાભર, થરાદ અને વાવ વિસ્તારમાં તાજેતરમાં ભારે વરસાદ અને પૂરને લીધે ભારે તારાજી થઈ હતી. પૂરગ્રસ્ત વિસ્તારોની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી, સાંસદ ગનીબેન ઠાકોરે મુલાકાત લીધી હતી. છેલ્લા બે-ત્રણ દિવસથી પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત કામગીરી વેગવંતી બની છે. સુઈગામ, ભાભર, થરાદ અને વાવ વિસ્તારોમાં પૂરના પાણી ઓસરી ગયા છે. જિલ્લા વહીવટીતંત્ર, બનાસ ડેરી અને સ્વૈચ્છિક સંસ્થાઓ સંયુક્ત રીતે રાહત કામગીરી કરી રહ્યા છે.
જિલ્લા કલેક્ટર મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ અસરગ્રસ્ત પરિવારોને ઘર સુધી સહાયતા પહોંચાડવામાં આવી રહી છે. રાજ્ય સરકાર અને બનાસ ડેરીના સહયોગથી 3,63,433 ફૂડ પેકેટ અને 3,90,000 પાણીની બોટલનું વિતરણ કરવામાં આવ્યું છે. 18,000 રાશન કીટમાં ઘઉં, ચોખા, તુવેરદાળ, ખાંડ, ચણા, મીઠું, બાજરી અને તેલના પાઉચનો સમાવેશ કરવામાં આવ્યો છે. વહીવટી તંત્ર દરેક પરિવાર સુધી રાશન કીટ પહોંચે તેની ખાતરી કરી રહ્યું છે. પૂરગ્રસ્ત વિસ્તારોમાં લોકોનું જીવન સામાન્ય બને તે માટે જિલ્લા વહીવટીતંત્ર સક્રિય પ્રયાસો કરી રહ્યું છે. નાગરિકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે વહીવટીતંત્ર સંવેદનશીલતાથી કામગીરી કરી રહ્યું છે.
બનાસકાંઠા જિલ્લામાં અતિભારે વરસાદને કારણે સરહદી વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. જિલ્લા કલેક્ટર મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ UGVCLની ટીમે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી છે. રાત-દિવસના પરિશ્રમ બાદ 294 ગામોમાં વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવામાં આવ્યો છે. માત્ર 3 ગામોમાં કાર્ય પ્રગતિ હેઠળ છે. નડાબેટ ઝીરો બોર્ડર સુધી વીજ કનેક્ટિવિટી ચાલુ કરી દેવાઈ છે. 25 BOPમાં વીજ પુરવઠો પૂર્વવત કરાયો છે. 3 BOP વોટર લોગિંગને કારણે બાકી છે. અધિક્ષક ઇજનેર વી.બી.બોડાતના જણાવ્યા મુજબ, કુલ 1863 વીજ પોલ તૂટી પડ્યા હતા. તેમાંથી 600 પોલ ઊભા કરી દેવાયા છે. બાકીના 1263 પોલ પૈકી વોટર લોગિંગ સિવાયના પોલ ઊભા કરવાની કામગીરી ચાલી રહી છે. આ કામગીરીમાં વિભાગની 107 ટીમો (535 કર્મચારીઓ) અને કોન્ટ્રાક્ટરની 35 ટીમો (420 કર્મચારીઓ) જોડાયેલી છે. પડકારજનક પરિસ્થિતિમાં JCB, મોટી ક્રેન અને નાવડાની મદદથી કામ કરવામાં આવ્યું છે. જિલ્લા વહીવટીતંત્ર, વીજ વિભાગ અને સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓના અસરકારક સહયોગથી આ કાર્ય ઝડપથી પૂર્ણ થયું છે. જિલ્લા કલેક્ટરે UGVCL ટીમના અવિરત પરિશ્રમને બિરદાવ્યો છે.