યાત્રાધામ અંબાજીમાં કોટેશ્વર મહાદેવ મંદિરમાંથી 18 કિલો વજનના ચાંદીના થાળાની ચોરી
- પૌરાણિક કોટેશ્વર મહાદેવ મંદિરમાં ચોરીની ઘટનાથી શિવભક્તોમાં રોષ,
- ચાંદીનું થાળું 15 દિવસ પહેલાં જ એક ભક્તે શિવલિંગ પર અર્પણ કર્યુ હતુ,
- ચોરીની સમગ્ર ઘટના મંદિરના સીસીટીવી કેમેરામાં કેદ થઈ
અંબાજીઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં આવેલા પૌરાણિક કોટેશ્વર મહાદેવ મંદિરમાં થાંદીના થાળાની ચોરીનો બનાવ બનતા શિવભક્તોમાં રોષ અને નિરાશા ફેલાઈ છે. કોટેશ્વર મહાદેવજીના મંદિરમાં ગત રાત્રિના સમયે તસ્કરોએ મંદિરમાંથી 18 કિલો વજનના ચાંદીના થાળાની ચોરી કરી હતી, જેની કિંમત આશરે રૂ. 21 લાખ આંકવામાં આવી રહી છે. મંદિરમાં ચોરી થયાની જાણ પોલીસને કરવામાં આવી હતી. પોલીસે સીસીટીવીના કૂટેજ મેળવીને વધુ તપાસ હાથ ધરી છે.
આ બનાવની વિગત એવી છે કે, યાત્રાધામ અંબાજીમાં કોટેશ્વર મંદિર પૌરાણિક છે. અંબાજી માતાજીના દર્શને આવતા યાત્રિકો કોટેશ્વર મહાદેવજીના દર્શન માટે આવતા હોય છે. શ્રાવણ મહિનમાં તો દિવસ દરમિયાન મંદિરમાં દર્શનાર્થીઓની ભીડ જોવા મળતા હોય છે. ગત રાતના સમયે તસ્કરોએ મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશ કરીને 18 કિલો વજનના ચાંદીના થાળુંની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. સવારે મંદિરમાં ચોરી થયાની જાણ થતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. કોટેશ્વર મંદિરને ચાંદીનું થાળું આશરે 15 દિવસ પહેલાં જ રાજસ્થાનના જોધપુરના એક ભક્તે ભેટમાં આપ્યુ હતુ. મંદિરમાં ચોરી થયા બાદ તાત્કાલિક મંદિરના તમામ દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી. ચોરીની સમગ્ર ઘટના મંદિરના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. પોલીસ અને સિક્યુરિટી સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયા છે અને તપાસ હાથ ધરી છે. આરોપીઓને ઝડપી પાડવા માટે ડોગ સ્ક્વોડની પણ મદદ લેવામાં આવી છે. ભક્તો અને સ્થાનિકોની માગ છે કે ચોરી કરનાર આરોપીઓને તાત્કાલિક ઝડપી પાડીને ચાંદીનું થાળું પાછું મેળવવામાં આવે. આ ઘટનાને પગલે કોટેશ્વર મહાદેવ મંદિરની સુરક્ષા વ્યવસ્થા પર પણ સવાલો ઉઠી રહ્યા છે.