For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

રાજકોટમાં મ્યુનિ. સંચાલિત 18 કોમ્યુનિટી હોલ હવે પખવાડિયામાં ખૂલ્લા મુકાશે

05:45 PM Mar 25, 2025 IST | revoi editor
રાજકોટમાં મ્યુનિ  સંચાલિત 18 કોમ્યુનિટી હોલ હવે પખવાડિયામાં ખૂલ્લા મુકાશે
Advertisement
  • તમામ કોમ્યુનિટી હોલમાં ફાયરના સાધનો ફિટ કરવાની કામગીરી પૂર્ણ
  • લગ્ન પ્રસંગ માટે વ્યાજબી દરે હોલ ભાડે અપાશે
  • સાંસ્કૃતિક કાર્યક્રમો માટે પણ હોલ ભાડે અપાશે

રાજકોટઃ શહેરમાં ટીઆરપી ગેમ ઝોનની દૂર્ઘટના બાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા તમામ 18 કોમ્યુનિટી હોલ ફાયરનાં સાધનો ફિટ કરવાની કામગીરી માટે બંધ કરવામાં આવ્યા હતા. આ પૈકી હાલ અડધા કરતા વધુ હોલમાં કામગીરી પૂર્ણ થઈ છે. બાકી રહેલા તમામ હોલમાં ટૂંક સમયમાં કામગીરી પૂર્ણ કરી દેવાશે.  એટલે કે એપ્રિલનાં પ્રથમ સપ્તાહમાં આ તમામ કોમ્યુનિટી હોલ લોકો માટે ખુલ્લા મુકવામાં આવશે. તમામ કોમ્યુનિટી ખૂલ્લા મુકાયા બાદ લોકોને નિયત દરે લગ્ન પ્રસંગોમાં ભાડે આપી શકાશે,

Advertisement

આરએમસીના સૂત્રોના જણાવ્યા મુજબ, રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનની દુર્ઘટના બાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા બીયુ સર્ટી અને ફાયર એનઓસી મુદ્દે કડક ચેકિંગ હાથ ધરી અનેક એકમોને સીલ કર્યા હતાં. જેમાં મ્યુનિ. સંચાલિત કોમ્યુનિટી હોલમાં પણ ફાયર સેફટીના સાધનો નહીં હોવાનું સામે આવ્યું હતું. જે અંતર્ગત ફાયરનાં સાધનો ફિટ કરવા માટે છેલ્લા લગભગ આઠ મહિનાથી તમામ હોલ બંધ કરવામાં આવ્યા હતા. રાજકોટ મ્યુનિના કુલ 20 જેટલા હોલ છે, જે પૈકીનાં 18 હોલમાં ફાયર સેફટીની કામગીરી ચાલી રહી હોવાથી આ હોલમાં આવેલા તમામ 26 યુનિટ ભાડે આપવાનું બંધ કરવામાં આવ્યું હતું. શહેરના મધ્યમ વર્ગ અને સામાન્ય પરિવારોને લગ્ન પ્રસંગોએ તોતિંગ ભાડા આપીને પાર્ટીપ્લોટ્સ કે ખાનગી હોલ ભાડે લેવાની ફરજ પડતી હતી. ગત લગ્ન ગાળાની સિઝનમાં અનેક પરિવારોએ મોંઘાભાવની પ્રાઈવેટ વાડીઓ ફરજિયાત રાખવાની ફરજ પડી હતી. આ પહેલા ચોમાસાની સિઝન હોવાથી પાર્ટીપ્લોટનો વિકલ્પ ઉપલબ્ધ નહીં હોવાથી ખાનગી હોલ એ એકમાત્ર ઉપાય બચ્યો હોવાથી આ સમયમાં લગ્ન કરનારા લોકોએ મસમોટા ભાડા ચૂકવ્યા હતા. જો કે લોકોની આ સમસ્યાનો અંત હવે ટૂંક સમયમાં આવી રહ્યો છે. ફાયરના સાધનો પૂર્ણ કરવાની કામગીરી અંતિમ ચરણમાં હોવાથી એપ્રિલનાં પ્રથમ સપ્તાહ બાદ લગ્નની સિઝનમાં મ્યુનિના કોમ્યુનિટી હોલ ભાડે મળશે એટલે લોકોને મોટી રાહત મળશે.

આરએમસીના સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે,  મ્યુનિના કુલ 18 હોલનાં 26 યુનિટમાં ફાયર એનઓસી નહીં હોવાને લઇ અંદાજે 8 મહિના પહેલા ફાયરના સાધનો ફિટ કરવાનાં કામ માટે આ તમામ હોલનાં બુકિંગ બંધ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેના માટેની ટેન્ડર પ્રક્રિયા કરીને આ કામ શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં હાલ 10 જેટલા હોલમાં કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. બાકીના 8 હોલમાં કેટલાક નાના-મોટા કામ બાકી છે. જે ઝડપથી પૂર્ણ કરવામાં આવી રહ્યા છે. ત્યારે હવે માર્ચનાં અંત અથવા એપ્રિલ માસનાં પ્રથમ સપ્તાહ સુધીમાં તમામ કામગીરી પૂર્ણ થતાં ફરી આ હોલનાં બુકિંગ લોકો માટે શરૂ કરવામાં આવશે. જેને લઈને લોકોને લગ્ન સહિતના પ્રસંગમાં ઓછા ખર્ચે સારી સુવિધા મળી રહેશે.

Advertisement

Advertisement
Tags :
Advertisement