ભારતીય યાત્રાળુઓ માટે 175,025 હજ ક્વોટા સુરક્ષિત કરવામાં આવ્યો, ભારત-સાઉદી અરેબિયા વચ્ચે કરાર
નવી દિલ્હીઃ કેન્દ્રીય લઘુમતી બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ સાઉદી અરેબિયાના જેદ્દાહમાં 2026 માટે દ્વિપક્ષીય હજ કરાર પર હસ્તાક્ષર કર્યા. આ કરાર હેઠળ, ભારતનો હજ ક્વોટા 175,025 હજયાત્રીઓ પર નિર્ધારિત કરવામાં આવ્યો છે. રિજિજુએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, "ભારત-સાઉદી અરેબિયા સંબંધોમાં એક મહત્વપૂર્ણ પગલું. હજ 2026 માટે દ્વિપક્ષીય કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા. ભારતીય યાત્રાળુઓ માટે 175,025 હજ ક્વોટા સુરક્ષિત કરવામાં આવ્યો છે. બંને દેશો તમામ હજ યાત્રીઓ માટે સુરક્ષિત અને સરળ યાત્રા સુનિશ્ચિત કરવા માટે સહિયારી પ્રતિબદ્ધતા ધરાવે છે."
રિજિજુ 7-9 નવેમ્બર દરમિયાન સાઉદી અરેબિયાની મુલાકાતે હતા, જ્યાં તેમણે સાઉદી અરેબિયાના હજ અને ઉમરાહના પ્રધાન ડૉ. તૌફિક બિન ફવઝાન અલ-રબિયા સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી. બેઠક દરમિયાન, બંને નેતાઓએ હજ સંબંધિત તૈયારીઓની સમીક્ષા કરી અને યાત્રાળુઓ માટે મુસાફરી, રહેઠાણ અને આરોગ્યસંભાળ સુવિધાઓને વધુ સુધારવાના માર્ગો પર ચર્ચા કરી.
કિરણ રિજિજુએ જેદ્દાહ અને તૈફમાં હજ અને ઉમરાહ સંબંધિત સુવિધાઓનું નિરીક્ષણ કર્યું, જેમાં ટર્મિનલ 1 અને જેદ્દાહ એરપોર્ટ પર હરામૈન સ્ટેશનનો સમાવેશ થાય છે. તેમણે જેદ્દાહ અને રિયાધમાં ભારતીય મિશન અને દૂતાવાસના અધિકારીઓ સાથે પણ મુલાકાત કરી અને તેમની તૈયારીઓની પ્રશંસા કરી.