ગુજરાતમાં 6 સરકારી મેડિકલ કોલેજોમાં 15 પ્રાધ્યાપકોની નિમણૂકો કરાઈ
- મેડિકલ કોલેજોમાં અધ્યાપકોની અછત થોડા ઘણા અંશે હવે દૂર થઈ
- ભાવનગર મેડિકલ કોલેજમાં 7 પ્રાધ્યાપકોને 11 માસના કરારી ધોરણે નિમણૂકો અપાઈ,
- ખાનગી પ્રેક્ટિસ સાથે 8 તબીબી શિક્ષકોને નિમણૂકો અપાઈ
અમદાવાદઃ રાજ્યમાં સરકારી મેડિકલ કોલેજોમાં પ્રોફેસરો-પ્રાધ્યાપકોની અછતને લીધે વિદ્યાર્થીઓ મુશ્કેલી વેઠી રહ્યા છે. જ્યારે એમસીઆઈનું ઈન્સ્પેકશન આવે તે પહેલા અન્ય કોલેજમાંથી પ્રાધ્યાપકોની બદલીઓ કરીને ખાલી જગ્યાઓ ભરી દેવામાં આવતી હતી. અને ઈન્સ્પેક્શન બાદ પ્રાધ્યાપકોને તેમની મુળ જગ્યાએ મુકવામાં આવતા હતા. સરકારી મેડિકલ કોલેજોમાં ખાલી જગ્યાઓથી તબીબી શિક્ષણને અસર થતી હતી. હવે રાજ્યની 6 સરકારી મેડિકલ કોલેજોમાં તબીબી શિક્ષણ આપતા 15 પ્રાધ્યાપકોની આરોગ્ય વિભાગ દ્વારા ખાનગી પ્રેક્ટિસ સાથે અને ખાનગી પ્રેક્ટિસ સિવાય એમ બે વિભાગમાં નિમણુંક કરવામાં આવી છે. જેમાં ખાનગી પ્રેક્ટિસ સાથે 8 તબીબી શિક્ષકો અને ખાનગી પ્રેક્ટિસ સિવાય 7 તબીબી શિક્ષકોની નિયુક્તિ કરવામાં આવી છે. આ નિયુક્તિને લીધે મેડિકલ કોલેજોમાં અધ્યાપકોની અછત હતી તે થોડા ઘણા અંશે હવે દૂર થશે
રાજ્યના આરોગ્ય વિભાગે તબીબી શિક્ષણ અને સંશોધન કચેરી ગાંધીનગર દ્વારા ભાવનગર સરકારી મેડિકલ કોલેજમાં 7 પ્રાધ્યાપકોની 11 માસના કરારી ધોરણે પુનઃ વરણી કરવામાં આવી છે. આ ઉપરંતા પી.ડી.યુ. મેડિકલ કોલેજ રાજકોટમાં 3, બી.જે.મેડિકલ કોલેજ અમદાવાદમાં 2, એમ એન્ડ જે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપ્થલ્મોજી અમદાવાદમાં 2 અને એમ.પી.શાહ સરકારી મેડિકલ કોલેજમાં 1 પ્રાધ્યાપકની 11 માસના કરારીય ધોરણે પુનઃ વરણી કરવામાં આવી છે.