ડિગ્રી-ડિપ્લોમાં ફાર્મસીમાં પ્રવેશ માટે 14604 વિદ્યાર્થીઓનો મેરીટલિસ્ટમાં સમાવેશ
- વિદ્યાર્થીઓ 15 જૂન સુધી ચોઈસ ફીલિંગ કરી શકશે,
- 17 જૂને ફાર્મસીનું ફાઈનલ મેરિટ લિસ્ટ જાહેર કરાશે,
- આ વર્ષે પ્રોવિઝનલ મેરીટ લિસ્ટમાં 3396 જેટલા ઓછા વિદ્યાર્થીઓનો સમાવેશ
અમદાવાદઃ રાજ્યમાં એસીપીસી દ્વારા ડિગ્રી-ડિપ્લામોના અભ્યાસક્રમોમાં પ્રવેશ માટેની કાર્યવાહી ચાલી રહી છે. એસીપીસીએ જાહેર કરેલા ડીગ્રી અને ડિપ્લોમા ફાર્મસીના 18 હજાર વિદ્યાર્થીઓના પ્રોવિઝનલ મેરીટ લિસ્ટની સામે આ વર્ષે 14,604 વિદ્યાર્થીઓનો પ્રોવિઝનલ મેરીટ લિસ્ટમાં સમાવેશ કરાયો છે. આમ ગત વર્ષની તુલનાએ આ વર્ષે પ્રોવિઝનલ મેરીટ લિસ્ટમાં 3396 જેટલા ઓછા વિદ્યાર્થીઓનો સમાવેશ કરાયો છે. અલબત્ત આ પ્રવેશ પ્રક્રિયામાં યુજી નીટના આશરે 1400 વિદ્યાર્થીઓ પાછળથી ઉમેરાવાની શક્યતા છે.
રાજ્યમાં ફાર્મસી અને ઈજનેરી સહિત વિવિધ વિદ્યાશાખાઓમાં પ્રવેશની મોસમ ચાલી રહી છે.જેમાં એસીપીસી દ્વારા પ્રથમ વર્ષ ડિગ્રી અને ડિપ્લોમા ફાર્મસીની રજીસ્ટ્રેશન કાર્યવાહી પૂરી થયા પછી 9મી જૂન, સોમવારે પ્રોવિઝનલ મેરીટ યાદી જાહેર કરાઈ છે. જેના માટે રજીસ્ટ્રેશન કરાવનારા 15819 વિદ્યાર્થીઓમાંથી 14604 વિદ્યાર્થીઓનો યાદીમાં સમાવેશ કરાયો છે. આ વિદ્યાર્થીઓના મોક રાઉન્ડની ચોઈસ ફીલિંગ પ્રક્રિયા આજે તા.10મીને મંગળવારથી શરૂ કરવામાં આવી છે. જે તા. 15મી જુન સુધી ચોઈસ ફિલિંગ ચાલશે. ડીગ્રી અને ડિપ્લોમા ફાર્મસીનુ ફાઈનલ મેરીટ લિસ્ટ અને મોક રાઉન્ડનુ પરિણામ 17મી જૂને જાહેર કરાશે.
રાજ્યમાં ડીગ્રી-ડિપ્લોમા ફાર્મસીની 146 કોલેજોની કુલ 6879 બેઠકો પર પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેમાં ડીગ્રી-ડિપ્લોમા ફાર્મસીના કુલ 15819 વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. જેમાં ગુજકેટ અને બોર્ડ આધારિત મેરીટમાં 14604 વિદ્યાર્થીઓનો સમાવેશ કરાયો છે. જેમાં 6582 છોકરાઓ અને 8022 છોકરીઓ છે. વિદ્યાર્થીઓ મેરીટ નંબર www.gujacpc.nic.inમાં મોડ્યુલમાં લોગ ઈન કરીને જોઈ શકશે. સાથે http;//https;/acpc.gujarat.gov.in/merit_ listમાં પોતાનો એપ્લિકેશન નંબર રજૂ કરીને તેને જોઈ શકશે.