For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા બીસીએની પ્રેક્ટિલ પરીક્ષામાં લેખિતમાં લેતા 1450 વિદ્યાર્થીઓ નાપાસ

05:48 PM Aug 08, 2025 IST | Vinayak Barot
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા બીસીએની પ્રેક્ટિલ પરીક્ષામાં લેખિતમાં લેતા 1450 વિદ્યાર્થીઓ નાપાસ
Advertisement
  • સુરેન્દ્રનગરની કોલેજના 11 વિદ્યાર્થીઓને 0 માર્ક આવતા પરીક્ષા પદ્ધતિ સામે વિરોધ ઉઠ્યો,
  • એકપણ યુનિવર્સિટીમાં BCAની પ્રેક્ટિકલ વિષયની પરીક્ષા લેખિતમાં લેવાતી નથી,
  • પરીક્ષામાં જાવા, સીસાબ, અને લિનક્સ લેન્ગવેજના પ્રોગ્રામિંગના પ્રશ્નોમાં પૂછાયા હતા

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વિવાદનો પર્યાય બની ગઈ છે. ત્યારે યુનિ દ્વારા લેવાયેલી BCA સેમેસ્ટર-4ના પ્રેક્ટિકલ વિષયની પરીક્ષા લેખિતમાં લેવામાં આવી હોવાથી 6091માં 1450 વિદ્યાર્થીઓ નાપાસ થતા હોબાળો મચી ગયો છે. જે વિદ્યાર્થીઓ નાપાસ થયા છે તેમાં સુરેન્દ્રનગરની એક જ કોલેજના 11 વિદ્યાર્થીઓને તો 0 માર્ક આવતા યુનિવર્સિટીની પરીક્ષા પદ્ધતિને લઈ સવાલ ઉઠ્યા છે. ગુજરાતમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બાદ કરતા એકપણ યુનિવર્સિટી પ્રેક્ટિકલ વિષયની પરીક્ષા લેખિતમાં લેવામાં આવી નથી. ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી KCG (નોલેજ કન્સોર્ટીયમ ઓફ ગુજરાત)ની એક ગાઇડલાઇનને આગળ ધરી બચાવ કરી રહી છે. જો કે, હવે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ નાપાસ થતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય બદલે તેવી વિદ્યાર્થીઓ અને કોલેજ સંચાલકો આશા રાખીને બેઠા છે.

Advertisement

સૂત્રોના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા BCA સેમેસ્ટર 4નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં માઇનોર 3 પ્રેક્ટિકલ બેઝડ ઓન CS-22, CS-23, CS-24 વિષયમાં 24 ટકા વિદ્યાર્થીઓ નાપાસ થયા હોવાનું સામે આવ્યું છે. એટલે કે પ્રેક્ટિકલ બેઝડની પ્રોગ્રામિંગ માટેની પરીક્ષા વિદ્યાર્થીઓએ લેખિતમાં આપી હતી. જેમાં કુલ 6091 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને તેમાંથી 1450 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. આ પરીક્ષામાં જાવા, સીસાબ, અને લિનક્સ લેન્ગવેજનું પ્રોગ્રામિંગ વિદ્યાર્થીઓને પ્રશ્નોમાં પૂછવામાં આવ્યા હતા. આ વિષય પ્રેક્ટિકલનો છે. પરંતુ આમ છતાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એકેડેમિક વિભાગની હઠ અને અણઘડ વહીવટના કારણે ન છૂટકે વિદ્યાર્થીઓએ પ્રેક્ટિકલ પરીક્ષા લેખિતમાં આપવી પડી છે. સામાન્ય રીતે પ્રશ્ન નંબર 1 અને તેમાં એ,બી,સી ઉપક્રમે 3,2,5 માર્ક્સ મળી કુલ 10 માર્ક્સનો એક એવા 5 પ્રશ્ન પૂછવા બદલે પેપર સેટર દ્વારા 10 માર્ક્સનો એક પ્રશ્ન તેના અથવામાં 10 માર્કસનો એક પ્રશ્ન મળી કુલ 5 પ્રશ્ન સાથે 50 માર્ક્સનું પ્રશ્નપત્ર તૈયાર કર્યું હતું. આ પણ એક મોટી ભૂલ કહેવાય અને તેના માટે પ્રશ્નપત્ર આવતાની સાથે જ કેટલીક કોલેજના સંચાલકોએ તુરંત જ આ ભૂલ અંગે પરીક્ષા વિભાગનું ધ્યાન દોર્યું હતું. જો કે એ સમયે હવે કશું ન થાય કહી વાત ઉડાવી દેવામાં આવી હતી અને આ પરિણામ ભોગવવાનો વારો વિદ્યાર્થીઓને આવ્યો છે. એક સાથે આટલા બધા વિદ્યાર્થીઓ નાપાસ થતા વિરોધ ઊબો થયો છે.

સુરેન્દ્રનગરની સી.યુ.શાહ કોલેજ ઓફ કોમર્સ, મેનેજમેન્ટ એન્ડ કોમ્પ્યુટર એજ્યુકેશનના BCA સેમેસ્ટર 4માં કુલ 130 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જેમાં કોલેજના 11 વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ બેઝડ ઓન CS-22, CS-23, CS-24 (24) વિષયમાં 50 માંથી 0 માર્ક આવ્યા છે. જયારે અન્ય વિદ્યાર્થીઓને 3થી લઇ 12 સુધી માર્ક આવ્યા આવ્યા છે. એટલે કે આ કોલેજના કુલ 30થી વધુ વિદ્યાર્થીઓ પ્રેક્ટિલ પરીક્ષામાં નાપાસ થયા હોવાનું સામે આવ્યું છે અને તેમાં પણ નવાઈની વાત એ છે કે, નાપાસ થયેલા વિદ્યાર્થીઓ પૈકી મોટાભાગના વિદ્યાર્થીઓ અન્ય વિષયમાં સારા માર્ક્સ ધરાવે છે પરંતુ માત્ર પ્રેક્ટિકલ પરીક્ષામાં જ નાપાસ થયા છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement