ગુજરાત બોર્ડમાં ધોરણ 10 અને 12ની પરીક્ષામાં 14.31 લાખ વિદ્યાર્થીઓ નોંધાયા
- ધોરણ 10 અને 12માં પરીક્ષાના ફોર્મ ભરવાની પ્રકિયા પૂર્ણ,
- લેઈટ ફી સાથે 55000 વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા
- 27મી ફેબ્રુઆરીથી ધો. 10 અને 12ની પરીક્ષાનો પ્રારંભ થશે
ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી 27મી ફેબ્રુઆરીથી લેવાનારી ધોરણ 10 અને 12ની પરીક્ષાની તૈયારીઓ શરૂ કરી દેવામા આવી છે. ધોરણ 10 અને 12ના પરીક્ષાના ઓનલાઈન ફોર્મ ભરાવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. રેગ્યુલર ફી બાદ લેટ ફી સાથે પણ મુદત આપવામા આવી હતી અને જે પુરી થયા બાદ અંતે ધો.10 અને 12ના કુલ મળીને 14.31 લાખથી વધુ ફોર્મ ભરાયા છે. લેટ ફી સાથે 55 હજારથી વધુ ફોર્મ ભરાયા છે. જેમાં ધો.10માં સૌથી વઘુ 8.94 લાખથી વધુ વિદ્યાર્થીઓ નોંધાયા છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી 27મી ફેબ્રુઆરીથી રાજ્યમાં ધોરણ 10 અને 12ની પરીક્ષા શરૂ થશે. દિવાળી પહેલાથી ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાના ફોર્મ ભરાવાનું શરૂ થયુ હતું. ધોરણ 10 અને 12 સાયન્સ અને ધો.12 સામાન્ય પ્રવાહ ત્રણેયમાં રેગ્યુલર ફી સાથે ફોર્મ ભરવાની મુદત અપાયા બાદ બોર્ડ દ્વારા પહેલી ડિસેમ્બરથી લેટ ફી સાથેની મુદત અપાઈ હતી. જેમાં પણ બે-બે દિવસ વધારવામાં આવ્યા હતા. રેગ્યુલર ફી સાથે ધો.10 અને 12માં 13.75 લાખથી વઘુ ફોર્મ ભરાયા હતા. જ્યારે લેટ ફી સાથે ધો. 10, 12 સાયન્સ અને 12 સામાન્ય પ્રવાહમાં 55 હજારથી વધુ ફોર્મ ભરાયા છે. લેટ ફી બાદ કુલ 14.731 લાખથી વધુ બોર્ડ પરીક્ષા ફોર્મ ભરાયા છે. જેમાં ધો.10માં 8,94,961, ધો.12 સાયન્સમાં 111196 અને ધો.12 સામાન્ય પ્રવાહમાં 4,25,055 વિદ્યાર્થીઓના ફોર્મ ભરાયા છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડના સૂત્રોએ જણાવ્યું હતું કે, સ્કૂલો દ્વારા ઓનલાઈન ફોર્મ ભરાવાની સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે અને હવે જો કોઈ વિદ્યાર્થી રહી ગયા હોય તો સ્કૂલની લેખિત અરજીના આધારે આચાર્યની મંજૂરીથી બોર્ડ ખાતે સીધા જ ઓફલાઈન ફોર્મ ભરી શકશે. પરંતુ જે માટે લેટ ફી લેવાશે. દર વર્ષે ઓફલાઈનમાં 500થી 600 જેટલા ફોર્મ ભરાતા હોય છે. ધો.10 અને 12માં નોંધાયેલા કુલ 14.31 લાખથી વધુ વિદ્યાર્થીઓમાં રેગ્યુલર, રીપીટિર, ખાનગી અને પૃથ્થક સહિતના તમામ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.