રાજકોટ શહેરમાં હજુ 1307 બિલ્ડિંગોને ફાયર NOC નથી બિલ્ડર્સ, ઓનર્સ એસો. નિષ્ક્રિય
- આરએમસીએ ટીમ બનાવીને શહેરની તમામ બિલ્ડિંગોમાં તપાસ હાથ ધરી
- 18 વોર્ડમાં ફાયર શાખાએ 1925 બિલ્ડિંગમાં કરી તપાસ
- હજુ પણ અનેક હાઇરાઇઝ બિલ્ડિંગોમાં તપાસ બાકી
રાજકોટઃ શહેરમાં ફાયર સેફ્ટીના મામલે કેટલાક બિલ્ડર્સ તેમજ ઓનર્સ એસો.ની નિષ્ક્રિયતા જોવા મળી રહી છે. સાથે મ્યુનિ.કોર્પોરેશનનું તંત્ર પણ પગલાં લેવામાં ઊણું ઉતરી રહ્યું છે. શહેરમાં છેલ્લા 11 માસમાં બે અગ્નિકાંડમાં 31 વ્યક્તિ મૃત્યુ પામ્યા છે છતાં હાઈરાઈઝ બિલ્ડિંગોમાં હજુ પણ ફાયર એનઓસી લેવાના અને ફાયરના સાધનો રાખવાના મુદ્દે બિલ્ડર્સ અને ઓનર્સ એસોસિએશનોની ગંભીર બેદરકારી છતી થઇ રહી છે. એટલાન્ટિસ અગ્નિકાંડની ઘટના બાદ મ્યુનિ.કોર્પોરેશને રહેણાક અને કોમર્શિયલ તથા બન્ને હોય તેવા હાઇરાઇઝ બિલ્ડિંગમાં તપાસ માટે આઠ ટીમ બનાવી ચેકિંગ હાથ ધર્યું હતું જેમાં 68 ટકા બિલ્ડિંગોમાં ફાયર એનઓસી ન હોવાના અથવા સિસ્ટમ વર્કિંગ કન્ડિશનમાં ન હોવાની ગંભીર ક્ષતિઓ ખૂલી હતી.
રાજકોટ શહેરમાં ઘણા હાઈરાઈઝ બિલ્ડિંગોમાં ફાયરની એનઓસી લેવામાં આવી નથી. ઘણા બિલ્ડિંગોમાં ફાયર સેફ્ટી વર્કિંગ કન્ડિશનમાં નથી. શહેરના એટલાન્ટિસ એપાર્ટમેન્ટમાં ધુળેટીના દિવસે આગ લાગતાં ફૂડ ડિલિવરી કરવા માટે આવેલા યુવક સહિત 3 નિર્દોષ વ્યક્તિનાં મોત નીપજ્યા હતા. તેમજ અન્ય અનેક લોકોને હાઇડ્રોલિક લિફ્ટથી રેસ્ક્યૂ કરાયા હતા. ત્યારબાદ આ બિલ્ડિંગમાં 2014 બાદ ફાયર એનઓસી ન લેવાયાનો ઘટસ્ફોટ થયો હતો અને ફાયર વિભાગની તપાસમાં પણ બિલ્ડિંગની ફાયર સિસ્ટમ વર્કિંગ કન્ડિશનમાં ન હોવાની હકીકત પ્રકાશમાં આવી હતી. આથી મ્યુનિસિપલ કમિશનરે તમામ હાઇરાઇઝ બિલ્ડિંગમાં ફરીથી ફાયર એનઓસીની ચકાસણીના આદેશ કર્યા હતા જેના પગલે રાજકોટ મ્યુનિના ફાયર શાખાની વિવિધ કચેરીની આઠ ટીમોએ 18 વોર્ડના મુખ્ય માર્ગો પર આવેલા તથા સોસાયટી વિસ્તારોમાં આવેલા 5 માળથી વધુની હાઇટ ધરાવતા હાઇરાઇઝ બિલ્ડિંગોમાં ફાયર એનઓસી અને ફાયર સિસ્ટમ અંગે તપાસણી શરૂ કરી હતી.
ફાયર શાખાના સૂત્રોના કહેવા મુજબ શહેરના વિવિધ વિસ્તારોમાં કુલ 1925 હાઇરાઇઝ બિલ્ડિંગમાં તપાસણી કરી છે. જેમાં રહેણાક, કોમર્સિયલ અને રહેણાક તથા કોમર્સિયલ બન્ને સાથે હોય તેવા બિલ્ડિંગોનો સમાવેશ થાય છે. જેમાંથી 1307 બિલ્ડિંગમાં ફાયર એનઓસી ન હોવા અથવા ફાયર સિસ્ટમ વર્કિંગ કન્ડિશનમાં ન હોવાનું ચેકિંગમાં ખૂલતા તે તમામને નોટિસ આપવામાં આવી છે. હજુ પણ શહેરના અનેક બિલ્ડિંગની ચકાસણી બાકી હોય ફાયર શાખાની ટીમો દ્વારા ચકાસણી ચાલુ રાખવામાં આવી છે.