અમદાવાની સિવિલ હોસ્પિટલ સહિત સરકારી હોસ્પિટલોમાં તબીબોની 13 ટકા ઘટ
- સરકારી હોસ્પિટલોમાં ડોક્ટરોના 1082 મહેકમ સામે 1038 ડોક્ટર જ છે
- હોસ્પિટલોમાં નર્સિંગ સ્ટાફ પણ અપુરતો
- સિવિલ-સોલા સિવિલમાં એકેય સુપર સ્પેશ્યાલિસ્ટ ડોક્ટર નથી
અમદાવાદઃ શહેરની સિવિલ હોસ્પિટલો સહિત રાજ્યભરની સરકારી હોસ્પિટલોમાં તબીબોની 13 ટકા ઘટ છે. સરકારે જાહેર કરેલા કેગના રિપોર્ટ પ્રમાણે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર, સ્પેશિયાલિસ્ટ ડોક્ટર નર્સ, પેરામેડિકલ સ્ટાફ, સીએચસી સેન્ટર, પીએચસી સેન્ટર મંજૂર મહેકમ કરતા ફરજ પરના સ્ટાફની સંખ્યા ઓછી જોવા મળી રહી છે. જેમાં મેડિકલ કોલેજ વીથ હોસ્પિટલમાં સ્પેશિયાલિસ્ટ ડોક્ટરની સંખ્યા 657 હોવી જોઈએ જેની જગ્યાએ હાલમાં 577 સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો ફરજ બજાવે છે. આવી સ્થિતિ રાજ્યની અન્ય સરકારી હોસ્પિટલોની છે.
ગુજરાતમાં સરકારી હોસ્પિટલોમાં ખાસ કરીને સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની અછત છે. કેગના રિપોર્ટ મુજબ સરકારી હોસ્પિટલોમાં 13 ટકા તબીબો સહિત સ્ટાફની ઘટ સરકારની આરોગ્ય પ્રત્યેની ગંભીરતાને દર્શાવે છે. ડોક્ટરોનું મંજૂર મહેકમ 1082 છે તેની સામે 4 ટકાની ઘટ સાથે 1038 ડોક્ટર ફરજ બજાવી રહ્યા છે. જ્યારે 2278 નર્સ માટેનું મહેકમ મંજૂર છે તેની સામે 3 ટકાની ઘટ સાથે 2200 નર્સનો સ્ટાફ હાજર છે. પેરામેડિક્સ સ્ટાફમાં 928 લોકોનો મહેકમ મંજૂર થયેલ છે તેની સામે 893 પેરામેડિક્સ સ્ટાફનો મહેકમ મંજૂર છે.
અમદાવાદ જિલ્લામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં પણ મોટાપાયે ડોક્ટર, નર્સ અને પેરામેડિક્સ સ્ટાફની ઘટ જોવા મળી રહી છે. પીએચસી સેન્ટરમાં 40 ડોક્ટર માટેનું મહેકમ મંજૂર છે તેની સામે 32 ડોક્ટર ફરજ પર છે. જ્યારે 29 નર્સ માટે મહેકમ મંજૂર છે તેની સામે એકપણ નર્સ ફરજ પર નથી અને 80 પેરામેડિક્સ સ્ટાફ માટે મહેકમ મંજૂર છે તેની સામે 72 લોકોનો પેરામેડિકલ સ્ટાફ મંજૂર છે.
આ ઉપરાંત શહેરની વસ્તીને ધ્યાનમાં રાખીને કુલ 11 કોમ્યુનિટી હેલ્થ સેન્ટર હોવા જોઈએ. તેની સામે માત્ર 8 સીએચસી કાર્યરત છે અને 42 પીએચસી હોવું જોઈએ તેની સામે 40 પીએચસી કાર્યરત છે. આરોગ્ય જેવા મહત્વપૂર્ણ ક્ષેત્રે સરકાર દ્વારા ચલાવાતી હોસ્પિટલમાં ડોક્ટર, સ્પેશિયાલિસ્ટ ડોક્ટર, નર્સ અને પેરામેડિક્લ સ્ટાફની મોટાપાયે ઘટ જોવા મળતા છેલ્લે લોકોને જ હાલાકી ભોગવવાનો વારો આવતો હોય છે.
અમદાવાદની સોલા સિવિલમાં હૃદયની સારવાર કરતાં કાર્ડિયોલોજિસ્ટ અને કાર્ડિયાક સર્જન, મગજની સારવાર કરતાં ન્યુરોલોજિસ્ટ અને ન્યુરો સર્જન, ગેસ્ટ્રોએન્ટ્રોલોજિસ્ટ અને ગેસ્ટ્રો સર્જન અને નેફ્રોલોજિસ્ટ જેવા ડોકટર્સ ઉપલબ્ધ નથી. જયારે સિવિલ હોસ્પિટલમાં નેફ્રોલોજિસ્ટ, ગેસ્ટ્રોએન્ટ્રોલોજિસ્ટ, પીડિયાટ્રિક ન્યૂરોલોજિસ્ટ અને ઇન્ટેન્સિવિસ્ટ નથી. સીએમ સેતુ અંતર્ગત બોલાવવામાં આવે છે.