- એક મોર અને 12 કબુતરનો સમાવેશ
- જીવમૈત્રી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા બચાવ અભિયાન હાથ ધરાયુ
- પક્ષીઓને બચાવવા જીવદયા પ્રેમીઓએ પણ સહકાર આપ્યો
ગાંધીનગરઃ કલોલ શહેરમાં ઉતરાયણ અને વાસી ઉતરાયણના દિવસે પતંગની દોરીથી ઘાયલ થયેલા પક્ષીઓની સારવાર માટે જીવમૈત્રી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિશેષ બચાવ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતુ. સરદાર બાગમાં સ્થાપિત કરાયેલા સારવાર કેન્દ્રમાં આજે એક મોર અને 12 કબૂતરો સહિત કુલ 13 પક્ષીઓને દોરીથી ઈજાગ્રસ્ત અવસ્થામાં લાવવામાં આવ્યા હતા, જેમાંથી એક પક્ષીનું મૃત્યુ નિપજ્યું હતું. સંસ્થા દ્વારા લોકોના સહયોગથી પક્ષીઓને ત્વરિત સારવાર મળી રહે તે માટે સતત જહેમત ઊઠાવવામાં આવી હતી.
જીવમૈત્રી ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ સચિન જોશીના નેતૃત્વમાં છેલ્લા 12 વર્ષથી પક્ષીઓને બચાવવા માટે સેવાકીય પ્રવૃત્તિ નિરંતર ચાલી રહી છે. માત્ર ઉતરાયણ પૂરતું જ નહીં, પરંતુ આખા વર્ષ દરમિયાન ઘાયલ પક્ષીઓની સારવાર માટે ટ્રસ્ટ કાર્યરત રહે છે. શહેરના મુખ્ય માર્ગો પર હેલ્પલાઈન નંબર સાથેના બેનરો લગાવવામાં આવ્યા છે, જેથી લોકો સરળતાથી ઘાયલ પક્ષીઓને સારવાર કેન્દ્ર સુધી પહોંચાડી શકે છે. જીવદયા પ્રેમીઓના સહયોગથી ચાલતા આ અભિયાન અંતર્ગત સરદાર બાગમાં વિશેષ સારવાર સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે, જ્યાં નિષ્ણાત પશુ ચિકિત્સકોની દેખરેખ હેઠળ ઘાયલ પક્ષીઓની સારવાર કરવામાં આવે છે. આ પહેલ દ્વારા દર વર્ષે સેંકડો પક્ષીઓના જીવ બચાવવામાં સફળતા મળી રહી છે.
કલોલ શહેરમાં ઉત્તરાણ અને વાસી ઉત્તરાણના દિવસે પતંગની દોરીથી ઘવાયેલા પક્ષીઓની સારવાર કરવામાં આવી હતી. શહેરના સરદાર બાગમાં સ્થાપિત કરાયેલા સારવાર કેન્દ્રમાં આજે એક મોર અને 12 કબૂતરો સહિત કુલ 13 પક્ષીઓને દોરીથી ઈજાગ્રસ્ત અવસ્થામાં લાવવામાં આવ્યા હતા, જેમાંથી એક પક્ષીનું મૃત્યુ નિપજ્યું હતું.