અમરેલીના આંબરડી સફારી પાર્કમાં 5 દિવસમાં 12400 પ્રવાસીઓએ સિંહ દર્શન કર્યા
- આંબરડી સફારી પાર્કમાં 5 દિવસમાં 23.56 લાખની આવક થઈ,
- તુલશીશ્યામમાં પણ ભાવિકોની ભીડ જામી,
- આંબરડી પાર્કમાં સિંહ દર્શન માટે 10 બસ મુકાઈ,
અમરેલીઃ ગુજરાતભરના પર્યટન સ્થળો દિવાળીના વેકેશનમાં પ્રવાસીઓથી ઊભરાયા હતા. જેમાં ધારી નજીક આવેલા આંબરડી સફારી પાર્કમા છેલ્લા સાત દિવસ દરમિયાન 12400 પ્રવાસીઓએ સિંહ દર્શન કર્યા હતા. જેને લીધે વનવિભાગને 23.56 લાખની આવક થઇ હતી. હાલ આંબરડી પાર્કમા ચાર સાવજો રાખવામા આવ્યા છે. પ્રવાસીઓએ નજીકમાં આવેલા ગળધરા ખોડિયાર મંદિર, ખોડિયાર ડેમ વિગેરે સ્થળે પણ હરવા ફરવાનો લ્હાવો લીધો હતો. જયારે ગીર મધ્યમા આવેલા તુલસીશ્યામ મંદિર ખાતે પણ લોકોની ભીડ જોવા મળી હતી.
અમરેલી જિલ્લાનું ધારી એટલે ગીરનુ નાકુ કહેવાય છે. અહી પ્રાકૃતિક સૌદર્ય અને આસપાસ અનેક દેવસ્થાનો આવેલા હોવાથી મોટી સંખ્યામા પ્રવાસીઓ ઉમટી પડે છે. દીપાવલીના વેકેશન દરમિયાન અહી ગળધરા ખોડિયાર મંદિર, યોગીજી મહારાજ જન્મ સ્થળ, બીએપીએસ મંદિર, જીવન મુકતેશ્વર મહાદેવ મંદિર સહિતના સ્થળોએ મોટી સંખ્યામા પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા. જેમાં આંબરડી સફારી પાર્કમા છેલ્લા સાત દિવસ દરમિયાન 12400 પ્રવાસીઓ આવ્યા હતા અને સિંહ દર્શન કર્યા હતા.
ડીસીએફ રાજદીપસિંહ ઝાલાની સુચનાથી આરએફઓ આર.એમ.સીડા, આર.એચ.ધાધલ સહિત અધિકારી અને કર્મચારીઓ દ્વારા અહી આવતા પ્રવાસીઓને કોઇ મુશ્કેલી ન પડે તે માટે ખડેપગે ફરજ બજાવી હતી. વનવિભાગ દ્વારા પ્રવાસીઓને સિંહ દર્શન માટે 10 બસ મુકવામા આવી હતી. લાભ પાંચમના દિવસે પણ અહી ભારે ભીડ જોવા મળી હતી. જયારે તુલસીશ્યામ મંદિર ખાતે મોટી સંખ્યામા પ્રવાસીઓ ઉમટી પડયા હતા. અહી મંદિરને રોશનીથી શણગારાયુ હતુ. પ્રવાસીઓ રાતવાસો કરી શકે તે માટે મંદિર ટ્રસ્ટ દ્વારા સુંદર વ્યવસ્થા કરવામા આવી હતી. ભાવિકોએ ડુંગર પર બિરાજમાન રૂક્ષ્મણી મંદિરે દર્શનનો લ્હાવો માણ્યો હતો. ઉપરાંત ગરમ પાણીના કુંડમા સ્નાન કર્યુ હતુ. ભાવિકો માટે પ્રસાદની વ્યવસ્થા પણ કરાઇ હતી. દીપાવલી અને બેસતા વર્ષે અહી ટ્રાફિકની વ્યવસ્થા જાળવવા માટે ડુંગર પર પાર્કિંગની પણ વ્યવસ્થા કરાઇ હતી. દીપાવલીથી લઇને લાભપાંચમ સુધી ગીર જંગલમા કોઇ ગેરકાયદે ઘુસીને સિંહ દર્શન ન કરે તે માટે વનવિભાગ સ્ટાફ દ્વારા સઘન પેટ્રોલીંગ કરાયુ હતુ.
આંબરડી સફારી પાર્કમા હાલ સેલજા, ભગત, ઝીમ્બા અને મોતી નામના સિંહ સિંહણ રાખવામા આવ્યા છે જેણે પ્રવાસીઓનુ આકર્ષણ જમાવ્યુ હતુ. અહી પ્રવાસીઓએ હરણ, કાળીયાર, ચિંકારા, જરખ તેમજ અન્ય પશુ પક્ષીઓ નીહાળવાનો પણ લ્હાવો માણ્યો હતો.