દિવાળી અને છઠ તહેવારો નિમિત્તે વિશેષ 12 હજાર ટ્રેનો દોડાવવામાં આવશે
નવી દિલ્હીઃ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જાહેરાત કરી કે, દિવાળી અને છઠ તહેવારો નિમિત્તે વિશેષ 12 હજાર ટ્રેનો દોડાવવામાં આવશે. બિહાર NDA નેતાઓ સાથે ચર્ચા કર્યા બાદ આ જાહેરાત કરવામાં આવી છે. તેમણે કહ્યું કે લોકોની મુસાફરી જરૂરિયાતો અંગે રાજ્યના નેતાઓ સાથે ચર્ચા કર્યા પછી, મંત્રાલયે માત્ર નવી ટ્રેનો જ નહીં પરંતુ અન્ય ઘણી યોજનાઓ અને માળખાગત પ્રકલ્પો પર પણ કામ કર્યું છે.શ્રી વૈષ્ણવે કહ્યું કે સામાન્ય વર્ગના મુસાફરોની સુવિધા માટે દિલ્હી અને ગયા, સહરસા અને અમૃતસર, છાપરા અને દિલ્હી તેમજ મુઝફ્ફરપુર અને હૈદરાબાદને જોડવા માટે ચાર નવી અમૃત ભારત ટ્રેનો શરૂ કરાશે.
દરમિયાન ન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે સંસદમાં જણાવ્યું હતું કે મુંબઈ-અમદાવાદ હાઇ સ્પીડ રેલ (MAHSR) પ્રોજેક્ટ (508 કિમી) પર કામ ઝડપથી ચાલી રહ્યું છે, જેમાં 406 કિમીમાં પાયાનું કામ પૂર્ણ થયું છે અને 127 કિમી લાંબા પુલો પર ટ્રેક નાખવાનું કામ શરૂ થયું છે. કેન્દ્રીય મંત્રીએ લોકસભામાં જણાવ્યું હતું કે પ્રોજેક્ટના અન્ય મુખ્ય કાર્યો જે પૂર્ણ થયા છે તેમાં 395 કિમીમાં થાંભલા અને 300 કિમીથી વધુ ગર્ડર કાસ્ટિંગ અને ગર્ડર લોન્ચિંગનો સમાવેશ થાય છે. એન્જિનોને પાવર પૂરો પાડવા માટે ઓવરહેડ ઇક્વિપમેન્ટ માસ્ટનું બાંધકામ પણ શરૂ થઈ ગયું છે. કુલ 12 સ્ટેશનોમાંથી 8 સ્ટેશનો (વાપી, બિલીમોરા, સુરત, ભરૂચ, આણંદ, વડોદરા, અમદાવાદ અને સાબરમતી) પર ફાઉન્ડેશનનું કામ પૂર્ણ થયું છે. મહારાષ્ટ્ર વિભાગમાં, 3 સ્ટેશનો (થાણે, વિરાર, બોઈસર) પર પાયાનું કામ ચાલી રહ્યું છે, BKC સ્ટેશન પર ખોદકામ લગભગ પૂર્ણ થઈ ગયું છે અને બેઝ સ્લેબનું કાસ્ટિંગ શરૂ થઈ ગયું છે. 16 નદી પુલોનું બાંધકામ પૂર્ણ થયું છે, જ્યારે ગુજરાતમાં 5 મુખ્ય નદી પુલો (નર્મદા, વિશ્વામિત્રી, મહી, તાપ્તી અને સાબરમતી) પર કામ અંતિમ તબક્કામાં છે અને મહારાષ્ટ્રમાં ચાર નદી પુલો પર કામ ચાલુ છે. ડેપો (થાણે, સુરત અને સાબરમતી) પર કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. ગુજરાતની એકમાત્ર ટનલ પર કામ પૂર્ણ થઈ ગયું છે.
દરિયાની અંદર ટનલ (લગભગ 21 કિમી) પર કામ શરૂ થઈ ગયું છે, જ્યારે મહારાષ્ટ્રમાં ઘણસોલી અને શિલફાટા વચ્ચે 4 કિમી લાંબી ટનલ પર કામ પૂર્ણ થઈ ગયું છે.