એક વર્ષમાં ટ્રાફિકનો નિયમ ભંગ કરનારા વાહન ચાલકોને 12000 કરોડનો દંડ ફટકારાયો
નવી દિલ્હીઃ દેશમાં ટ્રાફિકના નિયમન માટે ટ્રાફિક પોલીસ દ્વારા કવાયત તેજ બનાવવમાં આવી છે. દરમિયાન દરરોજ મોટી સંખ્યામાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારા વાહન ચાલકોને ઝડપી લઈને તેમની પાસેથી આકરો દંડ વસુલવામાં આવે છે. એક રિપોર્ટ અનુસાર, વર્ષ 2024માં ભારતમાં કેટલાક ચલણ જારી કરવામાં આવ્યા છે. પરંતુ છેલ્લા એક વર્ષમાં તેમાંથી માત્ર 25% ચલણ જ ભરાયા છે. બાકીના 75% હજુ બાકી છે.
આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે વર્ષ 2024માં 12,000 કરોડ રૂપિયાના ચલણ જારી કરવામાં આવ્યા છે. આમાંથી 9,000 કરોડ રૂપિયાના ચલણ હજુ સુધી જમા થયા નથી. એક વર્ષમાં ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારાઓને 8,000 કરોડથી વધુ ચલણ જારી કરવામાં આવ્યા હતા. આથી એવું કહી શકાય કે કડક નિયમો હોવા છતાં દેશભરમાં ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન થાય છે. આ વર્ષે, ઓવરલોડેડ ટ્રકથી લઈને હેલ્મેટ વગર બાઇક કે સ્કૂટર ચલાવનારાઓ સુધીના દરેકને ચલણ ફટકારવામાં આવ્યા હતા.
હરિયાણાના એક ટ્રક માલિકને 18 ટનથી વધુ માલ લોડ કરવા બદલ 2,00,500 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. તેવી જ રીતે, બેંગલુરુના એક બાઇક સવારને ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ 2.91 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. એકલા ગુરુગ્રામમાં જ એક દિવસમાં જારી કરાયેલા 4,500 ચલણોમાંથી 10 લાખ રૂપિયા વસૂલવામાં આવ્યા હતા.
નોઈડામાં હેલ્મેટ વગર વાહન ચલાવતા લોકો પાસેથી એક મહિનામાં 3 લાખ રૂપિયા વસૂલવામાં આવ્યા. આ દર્શાવે છે કે લોકો તક મળતાં જ બેજવાબદારીપૂર્વક ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા છે. જારી કરાયેલા તમામ ચલણોમાંથી લગભગ 50% ચલણ ઓવરસ્પીડિંગ માટે જારી કરવામાં આવ્યા હતા. આ પછી, હેલ્મેટ કે સીટ બેલ્ટ ન પહેરવા, આડેધડ પાર્કિંગ અને સિગ્નલ તોડવાના કિસ્સામાં પણ ચલણ જારી કરવામાં આવ્યા છે.