દિવાળીના તહેવારો દરમિયાન 12 હજાર વિશેષ ટ્રેનો દોડાવાશે
નવી દિલ્હીઃ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જાહેરાત કરી હતી કે દિવાળી અને છઠના તહેવારો દરમિયાન મુસાફરોની સુવિધા માટે બાર હજાર ખાસ ટ્રેનો ચલાવવામાં આવશે. આજે નવી દિલ્હીમાં એક પત્રકાર પરિષદને સંબોધતા વૈષ્ણવે જણાવ્યું હતું કે આ વિશેષ ટ્રેનો પહેલી ઓક્ટોબરથી 15 નવેમ્બર દરમિયાન દોડશે.
દિવાળી અને છઠ પૂજા જેવી રાષ્ટ્રવ્યાપી ઉજવણીના તહેવારો નજીક આવી રહ્યાં છે ત્યારે સમગ્ર દેશમાં જશ્નનો માહોલ જામ્યો છે. દરેક વ્યક્તિ પોતાના વતન પરત જવા માટે આતુર છે અને ટ્રેન તથા બસ બુકિંગની દોડધામ શરૂ થઈ ગઈ છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારતીય રેલવે પણ તૈયારીમાં લાગી ગયું છે.
રેલ મંત્રીએ જણાવ્યું કે ગયા વર્ષે દિવાળી અને છઠના સમયગાળા દરમિયાન 7,500 સ્પેશલ ટ્રેનો દોડાવવામાં આવી હતી. પરંતુ આ વખતે 12 હજાર ટ્રેનો દોડાવાશે, જેમાંથી મુસાફરોની વધતી માંગને ધ્યાનમાં રાખીને રેલવે દ્વારા 10,000 ટ્રેનોની નોંધણી પહેલેથી જ કરી દેવામાં આવી છે, જેમાંથી 150 ટ્રેનો અનારક્ષિત કેટેગરીમાં રહેશે — અર્થાત્, જે ટ્રેનો અચાનક વધી રહેલી ભીડને ધ્યાનમાં રાખીને છેલ્લી ઘડીમાં દોડાવવામાં આવશે. આ સ્પેશલ ટ્રેનો 1 ઓક્ટોબરથી શરૂ કરીને 15 નવેમ્બર સુધી દોડાવવામાં આવશે, જેથી લોકો શાંતિથી અને સુરક્ષિત રીતે પોતાના ઘર સુધી પહોંચી શકે. ખાસ કરીને દિલ્હી, મુંબઈ જેવા મેટ્રોપોલિટન શહેરોમાંથી ઉત્તર પ્રદેશ અને બિહાર તરફ જતા મુસાફરો માટે આ ખાસ વ્યવસ્થા છે.