ધોળકા નગરપાલિકાના ભાજપના 12 સભ્યોએ સાગમટે રાજીનામાં આપ્યા
- નગરપાલિકામાં ભાજપનો આંતરિક વિવાદ વકર્યો
- નગરપાલિકાના ચીફ ઓફિસર કહે છે, મને રાજીનામાંની પત્રો મળ્યો નથી,
- નગરપાલિકાના પ્રમુખે સત્તા મર્યાદાથી વધુ 15 લાખનો ખર્ચ કરતા વિવાદ વકર્યો
અમદાવાદઃ રાજ્યના દરેક શહેરમાં ભાજપમાં આંતરિક વિખવાદ જોવા મળી રહ્યો છે. ત્યારે ધોળકા નગરપાલિકામાં ભાજપના 12 સભ્યોએ સાગમટે રાજીનામાં ધરી દેતા રાજકીય હડકંપ સર્જાયો છે. તમામ સભ્યોએ પ્રમુખની કામગીરીથી અસંતોષના કારણે રાજીનામાં આપ્યા હોવાનું કહેવાય છે. જોકે નગરપાલિકાના ચીફ ઓફિસરે કહ્યું હતું કે, મને હજુ રાજીનામાંના પત્રો મળ્યા નથી.
સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ જિલ્લાના ધોળકા નગરપાલિકાના અખાત્રીજના પર્વે ભાજપના 12 કાઉન્સિલરો એકસાથે રાજીનામાં ધરી દીધા હતા. શાસક પક્ષ ભાજપાના 12 કાઉન્સિલરોએ સાગમટે રાજીનામાં આપતા રાજકીય માહોલ ગરમાયો છે. બાર જેટલા ભાજપના કાઉન્સિલરોએ નગરપાલિકામાં આવેલા રજિસ્ટર વિભાગમાં રાજીનામાં સોંપ્યા હોવાનું કહેવાય છે.
ભાજપના આંતરિક સૂત્રોના કહેવા મુજબ, ધોળકા નગર પાલિકાના પ્રમુખે સત્તા મર્યાદાની બહાર જઈ ખર્ચ કર્યો હતો. 5000 રૂપિયાના ખર્ચની મર્યાદા સામે 15 લાખથી વધારેનો ખર્ચ એક વર્ષમાં કર્યો હોવાનો કાઉન્સીલરો દ્વારા દાવો કરાયો છે. જે અંગે બેઠકમાં કોંગ્રેસના કાઉન્સીલરે વાંધો ઉઠાવ્યો હતો. એટલે પ્રમુખની કાર્યરીતિ સામે ભાજપના કાર્પોરેટરો ઘણા સમયથી અસંતોષ વ્યક્ત કરી રહ્યા હતા. અને 12 કાઉન્સિલરોએ રાજીનામાં ધરી દીધા છે. આ અંગે ધોળકા નગરપાલિકાના ચીફ ઓફિસરને પૂછતા તેમને જણાવ્યું હતું કે, આ બાબતે મારી પાસે રાજીનામાના ડોક્યુમેન્ટ કે કાઉન્સિલરો રાજીનામાં આપવા આવ્યા નથી. આમ, ધોળકામાં આખો મુદ્દો ટોકિંગ પોઈન્ટ બન્યો છે. તો બીજી તરફ, કોંગ્રેસના કાઉન્સીલરના વાંધાને ભાજપના કાઉન્સીલરોનું આડકતરુ સમર્થન હોઈ એમ 12 કાઉન્સીલરોએ રાજીનામા ધરી દીધા છે.