ગુજરાતમાં 2225 જેટલી પેઢીઓની તપાસ કરીને ભેળસેળવાળો 1198 કિ.ગ્રા જથ્થો નાશ કરાયો
- ખોરાક અને ઔષધ નિયમન તંત્રની કડક કાર્યવાહી,
- 2225 જેટલી પેઢીઓની તપાસ કરીને 676 જેટલા નમૂના લેવામાં આવ્યા હતા,
- 933 કિલોગ્રામ જેટલો ભેળસેળિયા ખોરાકનો જથ્થો સીઝ કરાયો
ગાંધીનગરઃ નવરાત્રી અને દશેરાના પાવન તહેવાર દરમિયાન જાહેર જનતાને શુદ્ધ અને સલામત ખોરાક મળી રહે તે હેતુથી રાજ્યભરમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે ખોરાક ઔષધ નિયમન તંત્ર દ્વારા સમગ્ર રાજ્યમાં 2225 જેટલી પેઢીઓની તપાસ કરીને 676 જેટલા નમૂના લેવામાં આવ્યા હતા. જે પૈકી 1.198 કિ.ગ્રા રૂ.4.80 લાખથી વધુનો ખોરાકના જથ્થાનો નાશ કરાયો હતો તેમ ખોરાક અને ઔષધ નિયમન તંત્રની યાદીમાં જણાવાયું છે.
યાદીમાં વધુમાં જણાવાયું છે કે, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા નવરાત્રી અને દશેરાના પાવન તહેવાર દરમિયાન 1358 જેટલા ખાધ રજીસ્ટ્રેશન આપ્યા હતા. આ ઉપરાંત રાજ્યના નાગરિકોમાં શુદ્ધ અને સલામત ખોરાક અંગે માહિતી મળી રહે તે માટે 819 જેટલા અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 3 લાખ 13 હજારથી વધુ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતાં. વધુમાં 449 જેટલા ટ્રેનીંગ કાર્યક્રમો કરવામાં આવ્યા હતાં.
ખોરાક અ ને ઔષધ નિયમન તંત્ર દ્વારા 924 જેટલા TPC ટેસ્ટ અને 1901 જેટલા અન્ય ટેસ્ટ કરીને રાજ્યમાં 933 કિલોગ્રામ જેટલો ભેળસેળિયો ખોરાકનો રૂ. 2 લાખથી વધુનો જથ્થો સીઝ કરવામાં આવ્યું હતું.
આમ, ખોરાક અને ઔષધ નિયમન તંત્રના અધિકારીઓના દરોડાથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનાર ગુનાહીત પ્રવૃતિમાં સંડોવાયેલા ભેળસેળિયા ઇસમોમાં ફફડાટ ફેલાઈ ગયો છે તેમ ખોરાક અને ઔષધ નિયમન તંત્રની યાદીમાં વધુમાં જણાવાયું છે.(File photo)