જ્યોર્જિયા રેસ્ટોરન્ટમાં 11 ભારતીયોના મોત, તમામ મૃતદેહ ભારત લાવવાના પ્રયાસો શરૂ કરાયાં
તિબિલિસી: જ્યોર્જિયાના એક શહેરમાં 11 ભારતીયોના મોત થયાની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે. ભારતીય દૂતાવાસ સ્થાનિક અધિકારીઓ સાથે તેમના પાર્થિવ દેહ પરત લાવવાના પ્રયાસો કરી રહી છે. ભારતીય દૂતાવાસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, જ્યોર્જિયાના ગુદૌરીમાં અગિયાર ભારતીય નાગરિકોના કમનસીબ મૃત્યુ વિશે જાણીને તે દુઃખી છે અને તેમના પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરે છે. એમ્બેસી સ્થાનિક સત્તાવાળાઓ સાથે મળીને કામ કરી રહી છે જેથી કરીને મૃતદેહોને ઝડપથી ભારત પરત લાવી શકાય. અમે શોકગ્રસ્ત પરિવારોના સંપર્કમાં પણ છીએ અને તમામ શક્ય સહાય પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ છીએ.
સૂત્રોના જણાવ્યા અનુસાર, 11 ભારતીય નાગરિકો જ્યોર્જિયાના ગુદૌરીમાં આવેલી ભારતીય રેસ્ટોરન્ટ 'હવેલી'ના કર્મચારી હતા. એવું લાગે છે કે તેનું મૃત્યુ કાર્બન મોનોક્સાઇડને કારણે શ્વાસ રૂંધાવાથી થયું હતું. આ ઘટનાનો સમય વગેરે અંગેની માહિતી હજુ સુધી ઉપલબ્ધ નથી. સ્થાનિક અધિકારીઓ તપાસ કરી રહ્યા છે અને દૂતાવાસના અધિકારી પણ ઘટનાસ્થળે દોડી ગયા હતા.