મહાકુંભમાં આવેલા 11 શ્રદ્ધાળુઓને આવ્યો હ્રદયરોગનો હુમલો
લખનૌઃ પ્રયાગરાજમાં મહાકુંભ મેળામાં પવિત્ર સ્નાન કર્યા પછી શ્રદ્ધાળુઓને હૃદયરોગના હુમલાના બનાવો બન્યા છે. માત્ર બે દિવસમાં, ૧૧ ભક્તોને હૃદયરોગનો હુમલો આવ્યો છે જ્યારે ૬ દર્દીઓને મેળામાં આવેલી સેન્ટ્રલ હોસ્પિટલમાં અને ૫ દર્દીઓને સેક્ટર-૨૦ સ્થિત સબ-સેન્ટર હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે. આ દર્દીઓ સારવાર બાદ સાજા થઈ ગયા અને ઘરે મોકલી દેવામાં આવ્યા હતા. જોકે, 2 દર્દીઓની હાલત ગંભીર હોવાથી તેમને SRN હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. મેળા સ્થિત સેન્ટ્રલ હોસ્પિટલનો 10 બેડનો ICU વોર્ડ હૃદયના દર્દીઓથી ભરેલો હતો. ડોક્ટરોએ ભક્તોને પવિત્ર સ્નાન દરમિયાન સાવધાની રાખવા અને ઠંડી સામે સાવચેતી રાખવાની સલાહ આપી છે.
- પવિત્ર સ્નાન પછી હૃદયરોગનો હુમલો
મહાકુંભમાં સેક્ટર-૨૧માં રહેતા મધ્યપ્રદેશના સંતદાસને નાસ્તો કર્યા પછી બેહોશ થઈ ગયા બાદ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા, પરંતુ તેમની હાલત ગંભીર હોવાથી તેમને રિફર કરવામાં આવ્યા હતા.
મહાકુંભમાં પવિત્ર સ્નાન કરવા આવેલા બિહારના ગોપાલ સિંહને છાતીમાં ભારે દુખાવો થયો અને તેમને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા. તપાસમાં કાર્ડિયોજેનિક શોક જોવા મળ્યો હતો પરંતુ હવે તેમની હાલત સ્થિર છે.
ગ્વાલિયરના શ્યામલાલ ચંદ્રાણી (૬૫) ને પણ રવિવારે છાતીમાં દુખાવો થયો અને તેઓ ઢળી પડ્યા હતા. તેમને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા જ્યાં તેમને હાર્ટ એટેક હોવાનું નિદાન થયું હતું પરંતુ હવે તેમની હાલત ખતરાની બહાર છે.
ડોકટરોના જણાવ્યા અનુસાર, શિયાળા અને ગાઢ ધુમ્મસ દરમિયાન ગંગાના ઠંડા પાણીમાં સ્નાન કરવું શરીર માટે ખતરનાક બની શકે છે. આવી સ્થિતિમાં, જો કોઈને છાતીમાં દુખાવો, બળતરા, દબાણ, શ્વાસ લેવામાં તકલીફ, હાથ, કમર કે જડબામાં દુખાવો થાય, તો તેને હળવાશથી ન લો અને તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરો કારણ કે આ હાર્ટ એટેકના સંકેતો હોઈ શકે છે.