અમદાવાદમાં ટ્રાફિકના નિયમોનો ભંગ બદલ વાહનચાલકો પાસેથી દોઢ વર્ષમાં 11 કરોડ દંડ વસુલાયો
- રોંગ સાઇડ, ઓવરસ્પિડ, સહિત ટ્રાફિક ભંગના ગુના નોંધાયા,
- 2161 વાહનચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કરાયા,
- રોંગ સાઇડમાં વાહન ચલાવતા પકડાય તો ત્રણ મહિના માટે લાયસન્સ સસ્પેન્ડ કરાશે
અમદાવાદઃ શહેરમાં વાહનચાલકો દ્વારા ટ્રાફિકભંગના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. ગુજરાત હાઈકોર્ટે પણ ટ્રાફિક ભંગ કરનારા વાહનચાલકો સામે કડક હાથે કામ લેવા નિર્દેશ કર્યો છે. શહેરમાં છેલ્લા કેટલાક સમયથી રોન્ગ સાઇડ તથા ઓવર સ્પિડમાં બેફામ બેદકારી ભર્યા ડ્રાઇવિંગના કારણે અકસ્માતના બનાવો વધી રહ્યા છે. માતેલા સાંઢની જેમ વાહનો હાંકી વાહન ચાલકો નિર્દોષ નાગરિકોનો ભોગ લઇ રહ્યા છે. ત્યારે વાહન ચાલકો સામે અમદાવાદ આરટીઓએ તવાઇ બોલાવી છે. જેમાં છેલ્લા દોઢ વર્ષમાં રોન્ગ સાઇડ, અકસ્માતમાં મોત, ઓવર સ્પિડ, ઓવર લોડ ફીટનેશ સહિતના કાયદાના ભંગ બદલ દોઢ વર્ષમાં રૂ. 10.98 કરોડ વસૂલીને 2161 વાહન ચાલકોના ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ કર્યા છે. જ્યારે બીજા રાજયમાં જઇ રફ ડ્રાઇવિંગ કરતા 284 વાહન ચાલકો પાસેથી દંડ વસૂલ્યા પછી આરટીઓએ ડ્રાઇવિંગ લાયસન્સ રદ કર્યા છે.
અમદાવાદ શહેરમાં નશામાં ધૂત નબીરાઓ દ્વારા બેફામ વાહનો હંકારતા વધી રહેલા હિટ એન્ડ રન અને અકસ્માતમાં મોતના બનાવો રોજબરોજ વધી રહ્યા છે, રોન્ગ સાઈડમાં વાહન હંકારતા તેમજ હેલ્મેટ વગર વાહન ચલાવતા અને ફૂલ સ્પીડમાં વાહન ચલાવીને અકસ્માત કરવાના વધી રહેલા કેસ અંગે ગુજરાત હાઇકોર્ટ દ્વારા અવાર નવાર ટ્રાફિક પોલીસને આવા વાહન ચાલકો સામે પોલીસ ફરિયાદ સહિત કડક પગલાં લેવા માટે ટકોર કરવામાં આવે છે. કારણ કે સ્થળ ઉપર દંડ ભરીને વાહન ચાલકને છોડી મૂકવાથી વાહન ચાલકોમાં કોઇ ફરક પડવાનો નથી પરંતું કાયદનો ડર પેદા કરવા જરુરી છે.
અમદાવાદ આરટીઓ દ્વારા કડક વલણ અપનાવીને 1-4-24 થી 31-7-25 સુધી 16 મહિનામાં રોન્ગ સાઇડ, હેલમેટ, વાંરવાર ટ્રાફિકના કાયદાનો ભંગ, ટેક્સ, લાયસન્સ, પીયુંસી, ફીટનેશ ઉપરાંત ઓવરલોડ વાહનો ડિટેઇન કરીને તેમની પાસેથી રૂ.. 10.98 કરોડ વસૂલીને દંડ વસૂલ્યો હતો. તેમજ 2161 વાહન ચાલકોના ડ્રાઇવિંગ લાયસન્સ ત્રણથી છ મહિના સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જ્યારે બીજા રાજયમાં જઇ રફ ડ્રાઇવિંગ કરનારા પાસેથી જે તે શહેરની પોલીસે 284 વાહન ચાલકો પાસેથી દંડ વસૂલ્યા પછી લાયસન્સ અમદાવાદથી ઇસ્યું થયા હોવાથી અમદાવાદ આરટીઓમાં મોકલી આપતા તેમના પણ ડ્રાઇવિંગ લાયસન્સ રદ કર્યા હતા.
અમદાવાદમાં મોતેલા સાંઢની જેમ વાહન હંકારીને હિટ એન્ડ રન તથા અકસ્માતમાં મોતના બનાવો ઉપરાંત રોન્ગ સાઇડમાં વાહન હંકારતા વાહન ચાલકોને ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિકના કાયદના ભંગ બદલ આરટીઓના મેમો આપવામાં આવ છે બીજીતરફ આરટીઓ દ્વારા વાહન ચાલકને કારણ દર્શન નાટિસ આપીને ૩૦ દિવસમાં ખૂલાસો કરવાનો સમય આપવામાં આવે છે. બાદમાં ગુનો પુરવાર થાય એટલે કાયદાની કલમ મુજબ દંડ વસૂલીને જેતે વાહન ચાલકના ગુના મુજબ ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવે છે. જેમાં ખાસ કરીને અકસ્માત સર્જીને રાહદારી અને વાહન ચાલકના મોત કેસમાં છ મહિના માટે ડ્રાઇવિંગ લાયસન્સ રદ કરાય છે અને રોન્ગ સાઇડ વારંવાર ટ્રાફિકના નિયમના ભંગ હેલમેટ સહિતના ગુનામાં ત્રણ મહિના માટે લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવે છે.
અમદાવાદ સ્કૂલ વાન અને રીક્ષા ચાલકો દ્વારા આરટીઓના કાયદાના નિયમોનું સરેઆર ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે ક્ષમતા કરતા વધારે બાળકો ભરીને જીવના જોખમે રિક્ષા વાન ચલાવવામાં આવી રહી છે જેના લઇને તાજેતરમાં આરટીઓ વિભાગ દ્વારા ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખાસ કરીને રિક્ષા તથા વાનનું ફીટનેશ તથા મીટર અને લાયસન્સ વગર કેટલાક લોકો વાહન ચલાવતા હતા અને કેટલીક સ્કૂલ વાન પણ નોન ટ્રાન્સપોર્ટ હતી. તેમ છતાં બાળકોને ઢોસી ઢોસીને ભરીને જીવના જોખમે સ્કૂલે મૂકવામાં જતા હતા. આવા 280 કેસ કરીને 27 વાહન ડિટેઇન કરીને કુલ રૂ. 3.80 લાખ દંડ અમદાવાદ આરટીઓ દ્વારા વસૂલવામાં આવ્યો હતો.