અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ટેન્ડર વિના 11 કરોડનો કોન્ટ્રાક્ટ અપાતા વિવાદ
- રોડના 8 કામો સિંગલ ટેન્ડરથી ફાળવાયા
- 37 કરોડમાં કામ આપ્યા બાદ રોડની કામગીરી બાકી રહેતા બારોબાર કામ આપી દેવાયું,
- ઉત્તર ઝોનમાં માત્ર એક જ એજન્સી સિવાય અન્ય એજન્સી કામ કરવા તૈયાર થતી નથી
અમદાવાદઃ ભાજપ શાસિત અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના સત્તાધિશોએ ટેન્ડર વિના 11 કરોડનો રોડનો કોન્ટ્રાક્ટ આપી દેતા વિવાદ ઊભો થયો છે. એએમસીના રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીના કામોમાં ઉત્તર ઝોનમાં 4 મહિના પહેલાં એક કામ 37 કરોડમાં અપાયા બાદ ફરીથી કેટલાક રોડની કામગીરી બાકી રહી ગઈ હોવાનું જણાતા બારોબાર ટેન્ડર વિના કામ આપી દેવાયું છે. અગાઉ કામ લેનાર કંપનીને જ વધારાનું 11 કરોડનું કામ સોંપવાનો વિવાદાસ્પદ નિર્ણય લેવાયા બાદ તેને કમિટીએ મંજૂરી પણ આપી દીધી છે. આ સિવાય 9.47 કરોડની કિંમતના 8 સિંગલ ટેન્ડર કામને મંજૂરી આપવામાં આવી છે.
અમદાવા મ્યુનિ.કોર્પોરેશનની રોડ અને બિલ્ડિંગ કમિટીએ ગયા ઓક્ટોબર મહિનામાં 37 કરોડના ખર્ચે રોડની કામગીરીનો કોન્ટ્રાક્ટ અપાયો હતો. ત્યારબાદ પુરા રોડનો કોન્ટ્રાક્ટ ન અપાતા કામ બાકી રહેતા મ્યુનિએ ફરીથી એ જ કોન્ટ્રાકટરને 11 કરોડનો વિના ટેન્ડરે કોન્ટ્રાક્ટ આપી દીધો છે. શહેરના ઉત્તર ઝોનમાં જુદા જુદા રોડ રિગ્રેડ કરી રિસરફેસ કરવા માટે ઓક્ટોબર 2024માં એક કોન્ટ્રાકટરને 24.5 ટકા વધારે ભાવ સાથે 37.35 કરોડમાં કામ અપાયું હતું. જોકે બાદમાં મ્યુનિ. ઇજનેર વિભાગના અધિકારીઓને ખબર પડી કે, કેટલાક રોડ તો રિગ્રેડ કે રિસરફેસ કરવાના જ રહી ગયા છે. આ સ્થિતિમાં મ્યુનિ.એ ફરી નવા ટેન્ડર બહાર પાડ્યા હતા. જેમાં 10 કરોડના ખર્ચે બીજા કેટલાક રોડ રિસરફેસ કરવાની દરખાસ્ત હતી. મ્યુનિ.માં લાંબા સમયથી રોડનાં કામો માટે 6થી 7 કોન્ટ્રાક્ટર જ ફિક્સ કરી દેવાયા છે. મ્યુનિ.માં છેલ્લા લાંબા સમયથી માત્ર 6થી7 કોન્ટ્રાક્ટર કામ કરી રહ્યા છે, રોડના કામ કરવા માટે હોટમિક્સ પ્લાન્ટ હોવો આવશ્યક છે તે સ્થિતિમાં અન્ય કોન્ટ્રાક્ટર કામ કરવા તૈયાર ન હોવાને કારણે કેટલાક સમયથી રોડના કામ ગણ્યાગાંઠ્યા કોન્ટ્રાક્ટર જ કરી રહ્યા છે.
ઉત્તર ઝોનમાં માત્ર એક જ એજન્સીની મોનોપોલી હોવાનું કહેવાય છે. મ્યુનિ. પાસે વિકલ્પ નથી મ્યુનિ.ના એક અધિકારીના કહેવા મુજબ જો ચોમાસા પહેલા કામ રોડ રિ ગ્રેડ કરાવવા હોય તો ઉત્તર ઝોનમાં માત્ર એક જ એજન્સી અત્યારે કામ કરી રહી છે અને તેની પાસે જ કરાવ્યા સિવાય કોઇ વિકલ્પ ન હતો, માટે વધારાની કામગીરી તેને સોંપવામાં આવી છે.