સુરત શહેરમાં છેલ્લા 9 વર્ષમાં BRTS બસની અડફેટે 109 લોકો મોતને ભેટ્યા
- BRTS બસ પૂરફાટ ચલાવવાની ફરિયાદો છતાં પગલાં લેવાતા નથી
- હવે BRTS કોરીડોરમાં ટોલગેટ પર ઓટો સિસ્ટમ બેરિયર લગાવશે
- હાઈ-ટેક કેમેરા અને કડક દંડ નીતિ લાગુ કરશે
સુરતઃ શહેરમાં બીઆરટીએસ બસ પૂરફાટ ઝડપે દોડાવવામાં આવતી હોવાની ફરિયાદો ઊઠી છે. જેના લીધે અકસ્માતના બનાવો પણ બનતા હોય છે. શહેરમાં છેલ્લા નવ વર્ષમાં બીઆરટીએસ બસની અડફેટે 109 લોકોના જીવ ગયા છે અને 116 ગંભીર અકસ્માતો થયા છે. આ પરિસ્થિતિને બદલવા માટે હવે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા એક નવો પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. મ્યુનિ. દ્વારા બીઆરટીએસ કોરીડોરમાં ટોલગેટ પર ઓટો સિસ્ટમ બેરિયર લગાડવામાં આવશે. સાથે હાઈ-ટેક કેમેરા અને કડક દંડ નીતિ લાગુ કરીને આ સમસ્યાને ગંભીરતાથી ઉકેલવા માટે આયોજન કરવામાં આવ્યું છે. જો આ નિયમો અસરકારક રીતે અમલ કરાશે તો બીઆરટીએસ બસ દ્વારા થતાં અકસ્મોતોને રોકી શકાશે.
સુરત શહેરમાં બીઆરટી બસ દ્વારા સમયાંતરે અકસ્માતોના બનાવો બનતા હોય છે. બીસ આરટીએસના ડ્રાઈવરો પૂરફાટ ઝડપે બસ હંકારતા હોવાની પણ ફરિયાદો ઊઠી છે. બીજી બાજુ ઘણા વાહનચાલકો બીઆરટીએસ કોરીડોરમાં બિન્દાસ્તથી વાહનો ચલાવતા હોય છે. જેના લીધે પણ અકસ્માતો વધી રહ્યા છે. 2014થી શરૂ થયેલી આ બીઆરટીએસ સેવા દરમિયાન 109 લોકોના મોત અને 116 ગંભીર અકસ્માતો નોંધાયા છે. જ્યારે BRTS બસ અકસ્માતો અને ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન રોકવા માટે સુરત મ્યુનિ.કોર્પોરેશન દ્વારા છેલ્લા ત્રણ વર્ષમાં 20.24 લાખ રૂપિયાની પેનલ્ટી વસૂલ કરવામાં આવી છે. 2022માં 5.65 લાખ, 2023માં 8.02 લાખ અને 2024માં 6.57 લાખ રૂપિયાની દંડ રકમ વસૂલાઈ છે. આ વધતા આંકડા સાબિત કરે છે કે, BRTS માર્ગ પર અકસ્માત અને અનધિકૃત પ્રવેશની ઘટનાઓ હજુ પણ ગંભીર સમસ્યા છે.
શહેરમાં બીઆરટીએસ કોરીડોરમાં અકસ્માત રોકવા માટે મ્યુનિ.કોર્પોરેશને એક્શન પ્લાન બનાવ્યો છે. જેમાં બીઆરટીએસ રૂટ પર અકસ્માત ઘટાડવા માટે નવી તકનિક અને કડક નિયમો અમલમાં મુકાશે, કોરીડોરમાં હાઈ-ટેક કેમેરા સાથે ચાંપતી નજર રાખવામાં આવશે.બાઆરટીએસ રૂટમાં અનધિકૃત વાહનોના પ્રવેશને અટકાવવા માટે નવા કેમેરા લગાવાશે. આ કેમેરા નંબર પ્લેટ ઓટોમેટિક સ્કેન કરી, દોષિત વાહનચાલકોને સીધા દંડ મોકલી શકશે. આ ઉપરાંત ‘ઝીરો એક્સિડન્ટ પોલિસી’ને વધુ મજબૂત બનાવાશે. 2023માં મ્યુનિએ બીઆરટીએસ ડ્રાઈવરો માટે ‘ઝીરો એક્સિડન્ટ પોલિસી’ શરૂ કરી હતી, જેમાં સિમ્યુલેટર આધારિત ટ્રેનિંગ આપવામાં આવ્યું હતું. બીઆરટીએસ ડ્રાઈવરો માટે સ્પીડ લિમિટ 40 કિમી પ્રતિ કલાક સહિતના નિયમ કરવામાં આવ્યા છે. અનધિકૃત વાહનો બીઆરટીએસમાં રૂટમાં ન ઘૂસે તે માટે સ્વિંગ ગેટ લગાવવામાં આવ્યા હતા, પણ એ હાલ નિષ્ક્રિય છે. હવે તમામ સ્વિંગ ગેટને ફરી એકવાર એક્ટિવ કરવામાં આવશે. સ્વિંગ ગેટ અને સ્ટ્રિક્ટ ફાઈન સિસ્ટમ પર ફોકસ કરાશે.