For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

અંબાજી પદયાત્રા માર્ગ પર કચરાનાં નિકાલ માટે 100 સ્વયંસેવકોનું ગાંધીનગરથી પ્રસ્થાન

05:47 PM Sep 02, 2025 IST | Vinayak Barot
અંબાજી પદયાત્રા માર્ગ પર કચરાનાં નિકાલ માટે 100 સ્વયંસેવકોનું ગાંધીનગરથી પ્રસ્થાન
Advertisement
  • અંબાજી પદયાત્રીઓને 10 પ્લાસ્ટિકની બોટલની સામે એક સ્ટીલની બોટલ અપાશે,
  • વિવિધ ઉદ્યોગો દ્વારા 10.000 સ્ટીલ બોટલનું વિતરણ કરાશે,
  • GPCB દ્વારા પદયાત્રા માર્ગને સ્વચ્છ રાખવાનું મિશન

ગાંધીનગરઃ  લાખો માઈ ભક્તોની આસ્થા સાથે જોડાયેલી “અંબાજી પદયાત્રા-સ્વચ્છ પર્યાવરણ યાત્રા” બની રહે તેવા મંત્ર સાથે અંબાજી પદયાત્રા દરમિયાન એકત્રિત થતો હજારો ટન વિવિધ ઘન કચરાનો વૈજ્ઞાનિક પદ્ધતિથી રીસાઈકલ-નિકાલ કરવા છેલ્લા 13 વર્ષથી GPCB દ્વારા એક વિશેષ પહેલ હાથ ધરવામાં આવે છે. અંબાજી પદયાત્રા માર્ગ પર ગત વર્ષે 760 ટનથી વધુ કચરાનો નિકાલ કરવામાં આવ્યો છે. આ વર્ષે પણ અંબાજી પદયાત્રા માર્ગ પર જોવા મળતા વિવિધ કચરાનો યોગ્ય રીતે નિકાલ કરવાના ઉદ્દેશ સાથે 100 જેટલા સ્વયંસેવકોની ટીમ તેમજ 10 બોલેરો ગાડીને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ-GPCBના ઉપક્રમે ક-રોડ ગાંધીનગર ખાતેથી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.

Advertisement

ગત વર્ષની જેમ આ વર્ષે પણ અંબાજી પદયાત્રીઓને 10 પ્લાસ્ટિકની બોટલની સામે એક સ્ટીલની બોટલ આપવામાં આવશે. આ માટે વિવિધ ઉદ્યોગો દ્વારા 10.000 સ્ટીલ બોટલનું દાન કરવામાં આવ્યું છે. પદયાત્રામાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા અંગે જાગૃતિ માટે 50થી વધુ શેરી નાટક ભજવાશે.

મેળા અને ઉત્સવો એ ભારતીય સંસ્કૃતિનું પ્રતિક છે. ઉત્સવો થકી નવી પેઢીમાં સંસ્કારોનું સિંચન થાય છે. અંબાજી ખાતે વર્ષોથી યોજાતા ભાદરવી પૂનમના મેળામાં લાખો માઈ ભક્તો ચાલીને આસ્થા સાથે માં અંબાના દર્શન કરે છે. આ પદયાત્રીઓની સેવા માટે વિવિધ સંઘ, ગામ અને શહેરો દ્વારા પદયાત્રા માર્ગ પર સેવા કેમ્પ શરૂ કરવામાં આવ્યા છે. આ દરમિયાન સ્વાભાવિક ક્રમે ઉત્પન્ન થતા વિવિધ કચરાના નિકાલ માટે GPCB દ્વારા વર્ષ 2011થી વિવિધ સંસ્થાઓની મદદથી પદયાત્રા માર્ગને સ્વચ્છ રાખવાનું અવિરત મિશન હાથ ધરવામાં આવી રહ્યું છે ત્યારે પદયાત્રા માર્ગને સ્વચ્છ રાખવો એ આપણા સૌની ફરજ છે.

Advertisement

આ અભિયાનમાં સહભાગી સ્વૈચ્છિક સંસ્થાઓ અને યુવાનોને અભિનંદન આપીને પદયાત્રાના માર્ગ પર આવતા ગામો અને શહેરો પર સ્વેચ્છાએ અભિયાનમાં જોડાય તેવો અનુરોધ બોર્ડ દ્વારા કરવામાં આવ્યો હતો.

દર વર્ષે GPCB અને સ્વૈચ્છિક સંસ્થાના સહયોગથી અંબાજી પદયાત્રાના માર્ગના સ્વચ્છ રાખવાનું ભગીરથ કાર્ય કરવામાં આવી રહ્યું છે. ઘન કચરાના નિકાલ અને રીસાઈકલ કરવાથી પર્યાવરણના જતનની સાથે રોજગારી પણ ઉપલબ્ધ થાય છે.

પદયાત્રામાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવાના સંદેશા સાથે કલાકારો દ્વારા જાગૃતિ દર્શાવતું શેરી નાટક ભજવીને સૌને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવાની પ્રતિજ્ઞા લેવડાવી હતી તેમ, GPCB ગાંધીનગરની યાદીમાં જણાવાયું હતું.

Advertisement
Tags :
Advertisement