દેશમાં 100 5G લેબ્સની સ્થાપના : 6G રિસર્ચમાં વૈશ્વિક નેતૃત્વ મેળવવાનો ભારતનો સંકલ્પ
નવી દિલ્હી: દેશભરમાં અદ્યતન તકનીકી સંશોધન અને નવીનતાને પ્રોત્સાહન આપવા માટે દૂરસંચાર વિભાગ (DoT)એ 100 5G લેબ્સની સ્થાપના કરી છે. આ લેબ્સનો હેતુ 6G ટેક્નોલોજી સંશોધનને મજબૂતી આપવાનો અને આગામી પેઢીની સંચાર સેવાઓ માટે ભારતને વૈશ્વિક નેતૃત્વની દિશામાં આગળ ધપાવવાનો છે. DoTના સહયોગી પ્લેટફોર્મ ભારત 6G એલાયન્સએ વિશ્વના 6G સંગઠનો સાથે 10 આંતરરાષ્ટ્રીય સમજૂતી કરાર (MoUs) પર હસ્તાક્ષર કર્યા છે. સરકારનું લક્ષ્ય છે કે, વર્ષ 2030 સુધી ભારત વૈશ્વિક 6G પેટન્ટ્સમાં ઓછામાં ઓછો 10% હિસ્સો મેળવશે.
દૂરસંચાર સચિવ નીરજ મિત્તલે જણાવ્યું હતું કે, “ડિજિટલ કોમ્યુનિકેશન આજે દરેક આર્થિક પ્રવૃત્તિની રીડ છે. ભારતે વિશ્વમાં સૌથી ઝડપી 5G રોલઆઉટ કરનાર દેશોમાં પોતાનું સ્થાન બનાવ્યું છે.” તેમણે ઉમેર્યું કે, આ 100 5G લેબ્સ ભારતને 6G ટેક્નોલોજીમાં વૈશ્વિક આગેવાની મેળવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. સરકારની નીતિ બહુઆયામી છે, જેમાં સંશોધન અને વિકાસને પ્રોત્સાહન આપવું, સ્વદેશી ઉત્પાદન વધારવું અને ઉદ્યોગ, સરકાર અને શૈક્ષણિક સંસ્થાઓ વચ્ચે મજબૂત સહકાર વિકસાવવો સામેલ છે.
હાલમાં 6G સંબંધિત 100થી વધુ રિસર્ચ પ્રોજેક્ટ્સને સહાય આપવામાં આવી રહી છે. તેમાં ઓપન RAN, સ્વદેશી ચિપસેટ્સ, AI આધારિત સ્માર્ટ નેટવર્ક્સ અને રેગ્યુલેટરી સેન્ડબોક્સ જેવી અદ્યતન ટેક્નોલોજીનો સમાવેશ થાય છે. કાર્યક્રમ દરમિયાન પ્રાઇવેટ નેટવર્ક્સ, સ્વદેશી ટેક્નોલોજી અને ભારતના ડિજિટલ લક્ષ્યો અંગે વિશાળ ચર્ચા થઈ હતી.
એક પેનલ ચર્ચામાં NavIC L1 સિગ્નલ દ્વારા સ્વદેશી PNT ટેક્નોલોજી વિકસાવવાની અને D2Mથી 6G સુધી નવી ટેક્નોલોજી સ્ટૅક્સ તૈયાર કરવાની યોજના રજૂ થઈ હતી. ‘ESTIC 2025’ કાર્યક્રમ 3 થી 5 નવેમ્બર દરમિયાન યોજાયો, જેમાં દેશ-વિદેશના 3,000થી વધુ પ્રતિભાગીઓ જોડાયા હતા. જેમાં નોબેલ વિજેતાઓ, વૈજ્ઞાનિકો, ઇનોવેટર્સ, ઉદ્યોગ નિષ્ણાતો અને નીતિનિર્માતાઓનો સમાવેશ હતો.