ગાંધીનગરમાં રેતીની ગેરકાયદે હેરાફેરી કરતા 10 વાહનો પકડાયા
• ખનીજ માફિયા સામે ભૂસ્તર વિભાગ સ્રકિય બન્યુ
• 2.30 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો
• છેલ્લા બે મહિનામાં ખનીજ ચોરીના 103 કેસ નોંધાયા
ગાંધીનગરઃ જિલ્લામાં સાબરમતી નદી સહિત અન્ય નદીમાં રેતીની ચોરી બેરોકટોક થઈ રહી છે. ત્યારે ખનીજ માફિયાઓ સામે કડક કાર્યવાહી કરવા કલેક્ટરે આપેલી સૂચનાના બાદ ભૂસ્તર તંત્ર સક્રિય બની ગયું છે. પ્રથમવાર ગાંધીનગરમાં રેતીના ગેરકાયદે ખનન અને હેરફેરની પ્રવૃત્તિ સામે સતત અને કડક કાર્યવાહી થઇ રહી છે. છેલ્લા અઠવાડીયામાં સઘન ચેકીંગ ઝુંબેશ હાથ ધરીને ભૂસ્તર તંત્ર દ્વારા રેતીની ગેરકાયદે હેરફેર અને પરમીટ કરતા વધુ પ્રમાણમાં રેતી લઇ જતાં 10 વાહનો પકડીને કુલ 2.30 કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવતા ખનીજ માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો.
ગાંધીનગર જિલ્લમાં ભૂસ્તર તંત્રની વિવિધ ટીમોને તપાસ દરમિયાન એક ડમ્પર સાદી માટીનું ઓવરલોડ વહન કરતાં ગાંધીનગર તાલુકાના ભાટ ગામ ખાતેથી પકડાયુ હતુ, તેમજ બીજુ ડમ્પર સાદી રેતીનું રોયલ્ટીપાસ વગર બિનઅધિકૃત વહન કરતાં કલોલ તાલુકાના હાજીપુર ગામ ખાતેથી ત્રીજુ ડમ્પર સાદી રેતી ખનિજનું ઓવરલોડ વહન કરતાં ગાંધીનગર તાલુકાના વાવોલ ગામ ખાતેથી અને ટ્રેકટરમાં સાદીરેતી ખનિજનું બિનઅધિકૃત વહન કરતાં ગાંધીનગર તાલુકાના દોલારાણાવાસણા ગામ ખાતેથી પકડાયું હતું
આ ઉપરાંત પાંચમુ ડમ્પર સાદીરેતી ખનિજના ઓવરલોડ વહન કરતાં ગાંધીનગર તાલુકાના પેથાપુર ગામ ખાતેથી, છઠ્ઠુ ડમ્પર સાદીરેતી ખનિજના રોયલ્ટીપાસ વગર બિનઅધિકૃત વહન કરતાં ગાંધીનગર તાલુકાના મોટા ચિલોડા ગામ ખાતેથી, અને સાતમુ ડમ્પર સાદીરેતી ખનિજના રોયલ્ટીપાસ વગર બિનઅધિકૃત વહન કરતાં કોબા ગામ ખાતેથી પકડાયું હતું તેમજ આઠમુ ડમ્પર ખનિજના ઓવરલોડ વહન કરતાં ગાંધીનગર તાલુકાના ઉનાવા ગામ ખાતેથી, નવમું ડમ્પર ખનિજના રોયલ્ટીપાસ વગર બિનઅધિકૃત વહન કરતાં ગાંધીનગર તાલુકાના ઉનાવા ગામ ખાતેથી, અને 10મું ડમ્પર ખનિજના રોયલ્ટીપાસ વગર બિનઅધિકૃત વહન કરતાં ગાંધીનગર તાલુકાના પિપળજ ચેકપોસ્ટ ખાતેથી પકડવામાં આવ્યા હતા. આ જપ્ત કરેલા વાહનોના માલિકો વિરૂધ્ધ ગુજરાત મિનરલ (પ્રિવેન્શન ઓફ ઇલ્લીગલ માઇનીંગ, ટ્રાન્સપોર્ટેશન અને સ્ટોરેજ) નિયમો-2017 હેઠળ દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે ભૂસ્તર તંત્રની ટીમો દ્વારા ગત છેલ્લા બે મહિનામાં રેતીનું ગેરકાયદે ખનન, સંગ્રહ અને હેરફેર કરવા અંગેના કુલ 103 કેસ દાખલ કરવામાં આવ્યા છે અને 79.30 લાખના દંડની વસૂલાત કરાઇ છે. ચાલું નાણાકીય વર્ષ દરમિયાન કુલ 219 કેસ કરી 2.17 કરોડની વસૂલાત કરાઇ છે અને 15.99 કરોડની રકમના ખનીજના બિનઅધિકૃત ખનન મામલે બે પોલીસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે.