ભૂજ-ખાવડા હાઈવે પર અકસ્માતને લીધે 10 કિમી ટ્રાફિકજામ સર્જાયો
- રાતના સમયે અકસ્માત સર્જાયો હતો અને ક્રેઈન સવારે પહોંચી હતી,
- ટ્રાફિફજામને લીધે કલાકો સુધી વાહનચાલકોને મુશ્કેલી ભાગવવી પડી,
- હાઈવે ઓથોરિટીના અધિકારીઓ અને ટોલ સંચાલકોની નિષ્ક્રિયતા
ભૂજઃ દિવાળીના તહેવારોને લીધે રાજ્યના હાઈવે પર ભરચક ટ્રાફિકજોવા મળી રહ્યો છે. ત્યારે ભુજ-ખાવડા હાઈવે પર વાહન અકસ્માતને કારણે 10 કિલોમીટરથી વધુ લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. આ અકસ્માત રાત્રિના સમયે થયો હતો, પરંતુ ક્રેન સવારના સમયે પહોંચતા વાહનચાલકોને કલાકો સુધી હાલાકી ભોગવવી પડી હતી. આ ઘટનામાં નેશનલ હાઈવે ઓથોરિટીના ભીરંડીયારા ટોલ સંચાલકોની ગંભીર બેદરકારી જોવા મળી છે. અકસ્માત સ્થળ પર સમયસર ક્રેન ન પહોંચવાના કારણે ટ્રાફિકની સ્થિતિ વધુ વણસી હતી. ટ્રાફિક જામના કારણે અનેક વાહનો અટવાયા હતા અને 10 કિલોમીટરથી વધુ લાંબી ભારે વાહનોની કતારો લાગી હતી.
આ બનાવની વિગત એવી છે કે, ભૂજ-ખાવડા હાઈવે પર બે વાહનો વચ્ચે રાતના સમયે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતગ્રસ્ત વાહનોને લીધે હાઈવે પર ટ્રાફિકજામ સર્જાયો હતો. આ અકસ્માતના બનાવની જાણ થતાં પોલીસ પણ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પણ અકસ્માતગ્રસ્ત વાહનોને હાઈવે પરથી હટાવાય તો જ ટ્રાફિક ક્લીયર થઈ શકે તેમ હતો. પણ ક્રેન મોકલવામાં વિલંબ કરાતા વાહનચાલકોને લાંબા સમય સુધી ટ્રાફિકજામનો સામનો કરવો પડ્યો હતો. કલાકો સુધીના આ ટ્રાફિક જામથી ટ્રાન્સપોર્ટ વ્યવસાયને મોટું નુકસાન થયુ હતુ. દરરોજ લાખો રૂપિયાનો ટોલ ઉઘરાવવામાં આવતો હોવા છતાં, હાઈવે પર વાહનચાલકોની સુરક્ષા માટે કોઈ કાળજી લેવામાં આવતી નથી. હાઈવે ઓથોરિટીના ભીરંડીયારા ટોલ સંચાલકો દ્વારા હાઈવે પેટ્રોલિંગ ટીમ, ક્રેન, એમ્બ્યુલન્સ સહિતની કોઈ સુવિધા પૂરી પાડવામાં આવતી ન હોવાની વ્યાપક રાવ ઉઠી છે.