અડાલજ ટોલ પ્લાઝા પાસે રાજસ્થાનથી આવેલી કારમાંથી 10 કિલો ગાંજો પકડાયો
- NCBની ટીમે બાતમીના આધારે કારને અટકાવીને તલાશી લીધી,
- NCBને કારમાં દારૂ હોવાની બાતમી મળી હતી, પણ મળ્યો ગાંજો,
- એક મહિલા સહિત ત્રણ શખસોની ધરપકડ
અમદાવાદઃ ગાંધીનગરના અડાલજ ટોલ પ્લાઝા પાસે રાજસ્થાન તરફથી આવી રહેલી એક કારને એનસીબીના અધિકારીઓએ અટકાવીને કારની તલાશી લેતા 10 કિલો ગાંજો મળી આવતા કારમાં સવાર એક મહિલા સહિત ત્રણ શખસોની ધરપકડ કરી હતી. એનસીબીની પ્રાથમિક તપાસમાં મહિલા સહિત ત્રણેય શખસો રાજસ્થાનથી ચરસ લઈને અમદાવાદ આવી રહ્યા હતા. જોકે આ કારમાં દારૂનો જથ્થો હોવાની માહિતી એનસીબીની ટીમને મળી હતી, જેના આધારે કારને રોકીને તપાસ કરતા કારમાંથી 10 કિલો ચરસનો જથ્થો મળી આવ્યોં હતો.
રાજસ્થાનથી એક કારમાં મહિલા સહિત ત્રણ શખસો દારૂનો જથ્થો લઈને અમદાવાદ આવી રહ્યા હોવાની બાતમી એનસીબીની ટીમને મળી હતી, જેના આધારે તેમણે ગાંધીનગર અડાલજ ટોલ પ્લાઝા પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન ત્યાં બાતમીવાળી ગાડી આવી પહોંચતા ટીમે કારને રોકીને તપાસ કરતા તેમાંથી દારૂ નહીં, પરંતુ ચરસનો જથ્થો મળી આવ્યો હતો. આ સાથે એનસીબીની ટીમે બશીર અહેમદ, મોહંમદ મોહસીન અને સુરૈયાબાનુની ધરપકડ કરી હતી. ત્રણેયની પૂછપરછ કરતા ચરસનો આ જથ્થો તેઓ રાજસ્થાનથી લાવ્યા હતા અને અમદાવાદમાં ડિલિવરી કરવાનો હોવાનું જાણવા મળ્યું હતું. જોકે કારમાં સાથે મહિલા હોવાથી પોલીસ કે અન્ય કોઈને શંકા ન જાય તે માટે ચરસની હેરાફેરી કરવા માટે મહિલાને સાથે રાખવામાં આવી હતી. આ ચરસનો જથ્થો અમદાવાદમાં કોને આપવાનો હતો અને રાજસ્થાનમાં કોની પાસેથી લાવ્યા હતા તે દિશામાં એનસીબીની ટીમે તપાસ શરૂ કરી હતી. એનસીબીના અધિકારીઓનું કહેવું છે કે, ગુજરાતમાં નશીલા પદાર્થોની હેરાફેરી કરવા ખેપિયા રાજસ્થાન અને મધ્યપ્રદેશથી આવે છે. આ ખેપિયાઓ રાજસ્થાનથી કારમાં ચરસનો જથ્થો લઈને આવ્યા હતા.
એનસીબીના અધિકારીઓએ મહિલા સહિત ત્રણેયની પૂછતાછ હાથ ધરી છે. અગાઉ પણ ગાંજાની ડિલિવરી કરી હતી કે, કેમ તથા ગાંજાનો જથ્થો કોની પાસેથી લાવ્યા હતા અને કોને આપવાના હતા તે દિશામાં પૂછતાછ કરવા છતાંયે આરોપીઓ મોં ખોલતા નથી. પોલીસને શંકા છે કે આ ત્રણેય જણ અગાઉ પણ ઘણી વખત ગાંજાનું કન્સાઇન્મેન્ટ લાવ્યા હોવાની શક્યતા છે. પોલીસે ત્રણેય આરોપીઓને રિમાન્ડ પર લેવાની તજવીજ હાથ ધરી છે.