For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

અમદાવાદના નવા નરોડામાં ગણેશ સ્થાપના સમયે સ્લેબ ધરાશાયી થતાં 10 પટકાયાં

05:27 PM Aug 28, 2025 IST | Vinayak Barot
અમદાવાદના નવા નરોડામાં ગણેશ સ્થાપના સમયે સ્લેબ ધરાશાયી થતાં 10 પટકાયાં
Advertisement
  • બાપા સીતારામ ચોક પાસે ગણોશોત્સવનું આયોજન કરાયું હતું,
  • કોમ્પ્લેક્સનો સ્લેબ ધરાશાયી થતાં ત્રણ બાળકો, મહિલાઓ ભોંયરામાં પટકાયા,
  • ફાયર વિભાગના જવાનોએ ઇજાગ્રસ્તોને બહાર કાઢી હોસ્પિટલ ખસેડ્યા

અમદાવાદઃ શહેરના નવા નરોડા વિસ્તારમાં ગઈ મોડી રાત્રે ગણેશ સ્થાપના સમયે કોમ્પ્લેક્સનો સ્લેબ ધરાશાયી થવાની ઘટના બની હતી. બાપા સીતારામ ચોક પાસે પંચમુખી હનુમાન ગ્રુપ દ્વારા ખૂબ મોટા પાયે ભગવાન ગણેશની મૂર્તિની સ્થાપનાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે રાત્રે 9 વાગ્યાની આસપાસ એક કોમ્પ્લેક્સનો સ્લેબ ધરાશાયી થતાં ત્રણ બાળક અને મહિલાઓ સહિત 10થી વધુ લોકો ભોંયરામાં પટકાયા હતા. મોટી સંખ્યામાં લોકો ભગવાનના દર્શન કરવા આવ્યા હતા, તે સમયે આ દુર્ઘટના બની હતી. જોકે સદભાગ્યે કોઈ જાનહાની થઈ નથી.

Advertisement

આ બનાવની વિગત એવી છે કે, શહેરના નવા નરોડા વિસ્તારમાં બાપા સિતારામ ચોક પાસેના પંચમુખી હનુમાન ગ્રુપ દ્વારા ગણેશની મૂર્તિની સ્થાપનાનો કાર્યક્રમ યોજાયો હતો. અને આજુબાજુના લોકો આ ધાર્મિક કાર્યક્રમમાં એકઠા થયા હતા. તે દરમિયાન બાળકો, મહિલાઓ સહિત લોકો ઊભા હતા તે સ્લેબ તૂટી પડ્યો હતો. સ્લેબ ધરાશાયી થતાં ત્રણ બાળક અને મહિલાઓ સહિત 10થી વધુ લોકો ભોંયરામાં પટકાયા હતા. સ્લેબ સાથે નીચે પટકાયેલી મહિલાએ પોતાના નાના બાળકને બચાવવાની બુમરાણ સાથે રોકકળ કરી મૂકી હતી. સ્થાનિક લોકો તાત્કાલિક નીચે ઉતર્યા હતા અને એકબીજાની મદદથી તેઓને બહાર કાઢ્યા હતા. આ દરમિયાન ફાયર બ્રિગેડની ટીમને આ અંગે જાણ કરાતા તે પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર વિભાગ દ્વારા ઇજાગ્રસ્તોને બહાર કાઢી તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. જોકે, મોટી સંખ્યામાં લોકોની ભીડ ભેગી થતાં પોલીસે હળવો લાઠીચાર્જ પણ કરવો પડ્યો હતો.

ફાયર બ્રિગેડના સૂત્રોના કહેવા મુજબ  શહેરના નવા નરોડા વિસ્તારમાં બાપા સીતારામ ચોક નજીક એક કોમ્પ્લેક્સ આવેલું છે. ગણેશ ચતુર્થી હોવાના કારણે ભગવાન ગણેશનું ત્યાં સ્થાપન કરવાનું હતું. મોટી સંખ્યામાં લોકોની ભીડ ભેગી થઈ હતી. ભગવાન ગણેશની મોટી મૂર્તિ લાવવામાં આવી હતી અને ડીજે સાથે ભગવાન ગણેશનું સ્થાપન થવા જઈ રહ્યું હતું. તે દરમિયાનમાં જ અચાનક જ કોમ્પ્લેક્સના એક ભાગનો સ્લેબ ધારાશાયી થયો હતો. જે સીધો ભોંયરામાં પડ્યો હતો. ત્યાંથી ચાલીને જનારા 10 જેટલા લોકો સીધા ભોયરામાં પડ્યા હતા. નીચે પડેલા ભોયરામાંથી બહાર પડેલા કેટલાક લોકો બહાર નીકળી ગયા હતા જ્યારે બે લોકોને સ્થાનિક લોકોએ કાટમાળ હટાવીને બહાર કાઢ્યા હતા. આ બનાવની જાણ થતા નિકોલ ફાયર સ્ટેશનની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી એક વ્યક્તિ કાટમાળ નીચે દટાયેલો હતો જેથી તેને સહી સલામત બહાર કાઢ્યો હતો. જોકે તેને ઈજા થઈ હોવાથી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. અનેક લોકોએ બે લોકોને કાઢ્યા હતા તેમને પણ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બે થી ત્રણ લોકોને સામાન્ય ઇજા પણ થઈ હોવાનું જાણવા મળ્યું છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement