વડોદરામાં 10 ફુટનો મહાકાય મગર અને 5 ફુટના અજગરનું રેસ્ક્યુ કરાયુ
- વડોદરાના સનફાર્મા રોડ પર મગર જોતા જ પોલીસે વન વિભાગને જાણ કરી,
- વડોદરામાં ડભોઈ રોડ પર 5 ફુટના અજગરનું પણ રેસ્ક્યુ કરાયુ,
- વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુની ટીમે મગર અને અજગરને પકડીને ફોરેસ્ટ વિભાગને સોંપ્યા
વડોદરાઃ શહેરમાં હવે તો રોડ-રસ્તાઓ પર પણ મગરો જોવા મળતા હોય છે, વિશ્વામિત્રી નદીને કારણે શહેર મગરોનું ઘર બની રહ્યું છે ત્યારે શહેર નજીક અજગર પણ પકડાયો છે. આમ 10 ફુટના મહાકાય મગરનું રેસ્ક્યુ કર્યા બાદ અજગરનું પણ રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. શહેરના સનફાર્મા રોડ પરથી ગુજરાત પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થાએ વન વિભાગ સાથે મળીને 10 ફૂટનો મગર રેસ્ક્યુ કર્યો હતો. બીજી તરફ વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટની ટીમે વડોદરાથી ડભોઇ તરફ જતા રોડ પરથી પાંચ ફૂટનો અજગર રેસ્ક્યુ કર્યો હતો અને વન વિભાગને સોંપ્યો હતો.
ગુજરાત પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થાના સૂત્રોએ જણાવ્યું હતું કે, વહેલી સવારે 3 વાગ્યે રૂરલ પોલીસ કંટ્રોલમાંથી ગુજરાત પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થામાં ફોન આવ્યો હતો કે, કૈલાશ શિખર, સનફાર્મા રોડ ઉપર મગર જોવા મળ્યો છે. તેથી, સંસ્થાના સ્વયંસેવક પ્રિગ્નેશ, સંદીપ અને ચિરાગને સ્થળ પર મોકલ્યા હતા અને તપાસ કરતા લગભગ 10 ફૂટનો મગર રસ્તા પર બેઠો હતો. જેથી, અમે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને જાણ કરી હતી અને સહી સલામત રીતે મગરને પકડીને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના રેસ્ક્યુ સેન્ટર પર સોંપ્યો હતો. બીજી તરફ વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના પ્રમુખ અરવિંદ પવાર પર રાત્રે વડોદરાના ડભોઇ રોડ પરથી એક સ્થાનિકનો ફોન આવ્યો હતો કે, એક સાપ રતનપુરથી કેલાનપુર જતા મેઇન રોડ પર આવી ગયો છે. આ ફોન આવતાની સાથે જ સંસ્થાના સેક્રેટરી યુવરાજસિંહ રજપૂત અને વડોદરા વન વિભાગના અધિકારીને લઇને ત્યાં પહોંચ્યા હતા અને ત્યાં જોતા 5 ફૂટનો અજગર મેઇન રોડ પર જોવા મળ્યો હતો. આ અજગરને સહી સલામત રીતે રેસ્ક્યુ કરીને વડોદરા વન વિભાગના સોંપવામાં આવ્યો હતો.
વડોદરા શહેરમાં મગરોની વસતીમાં વધારો થઈ રહ્યો છે. વર્ષ 1960માં વિશ્વામિત્રી નદીમાં 50 મગરો હતા. જોકે, આજે વિશ્વામિત્રી નદીમાં 441 જેટલા મગરો છે. વડોદરા જિલ્લામાં વિશ્વામિત્રી નદી ઉપરાંત પણ દેવ, ઢાઢર, નર્મદા નદી અને વિવિધ તળાવોમાં મળીને કુલ 1 હજાર કરતાં વધુ મગરો છે. મગર શેડયૂલ-1નું સંરક્ષિત પ્રાણી છે. નદી કે તળાવ તેના કુદરતી આવાસ છે. મગર જ્યારે પાણીમાં ઊતરે છે ત્યારે એ એની આંખ પર ગ્લેન્સ નાખે છે. તેથી એની વિઝિબિલિટી 60થી 70 ટકા ઘટી જાય છે. મગર પાણીમાં ઊઠતા તરંગોના આધારે શિકાર નક્કી કરે છે. જ્યારે કોઇ નદીમાં કપડાં કે વાસણ ધોવે અથવા છબછબિયા કરે ત્યારે મગરને લાગે છે કે, કિનારે તેનો કોઇ શિકાર પાણી પીવા આવ્યો છે. આ સંજોગોમાં મગર તેના પર હુમલો કરે છે. મગરના હુમલામાં કોઇ વ્યક્તિનું મોત થાય તો તેને સરકાર તરફથી 4 લાખ રૂપિયા વળતર ચૂકવવામાં આવે છે.