અમદાવાદમાં 42 કરોડમાં બનેલો હાટકેશ્વર બ્રિજને તોડવામાં 10 કરોડનું આંધણ કરાશે
- એએમસીએ 42 કરોડમાં બનાવેલો બ્રિજ 5 વર્ષમાં તોડવો પડશે
- બ્રિજના નબળા બાંધકામ અંગે કોન્ટ્રાક્ટર સામે ફરિયાદ કરવામાં આવી હતી
- હવે નવો બ્રિજ બનાવવા 100 કરોડથી વધુ ખર્ચ કરવો પડશે
અમદાવાદઃ શહેરના પૂર્વ વિસ્તારમાં એએમસીએ હાટકેશ્વર વિસ્તારમાં રૂપિયા 42 કરોડના ખર્ચે ઓવરબ્રિજ બનાવ્યા બાદ તેના નબળા બાંધકામને લીધે જર્જરિત બની જતા 5 વર્ષમાં તોડવાની નોબત આવી છે. ભ્રષ્ટાચારનો પર્યાય બનેલા હાટકેશ્વર બ્રિજને માત્ર તોડી પાડવા માટે ટેન્ડર બહાર પડાયું છે. આ બ્રિજ તોડી પડાયા બાદ તેને નવેસરથી બનવાવા અંગેનો નિર્ણય લેવાશે. આ બ્રિજ 9.31 કરોડમાં તોડી પાડવા મ્યુનિ.એ ટેન્ડર બહાર પાડ્યું છે. અગાઉ બ્રિજ તોડવા 3 વખત ટેન્ડર બહાર પડાયું હતું. પરંતુ એક વખત જ એક કોન્ટ્રાક્ટરે તૈયારી દર્શાવી હતી. જોકે મ્યુનિ. દ્વારા નક્કી કરાયેલી કિંમત કરતાં વધારે કિંમત હોવાને કારણે આ ટેન્ડરને માન્ય રખાયું ન હતું.
શહેરના પૂર્વ વિસ્તારમાં હાટકેશ્વર બ્રિજકાંડ ભારે ચર્ચાસ્પદ બન્યો હતો. બ્રિજનું લોકાર્પણ કરાયા બાદ મહિનાઓમાં વાહન વ્યવહાર માટે બંધ કરી દેવો પડ્યો હતો. અને કોન્ટ્રાક્ટ સામે પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી હતી. હવે મ્યુનિએ બ્રિજ તોડવાનો નિર્ણય લીધો છે. હાલ ટેન્ડરમાં આ બ્રિજ 6 મહિનામાં તોડી પાડવા માટે શરત મુકાઈ છે. આ બ્રિજને સંપૂર્ણ જમીનદોસ્ત કરાશે. જોકે તેના સ્લેબ તોડવામાં જેટલી સરળતાં હશે તેટલી સરળતાં તેના પિલ્લર તોડવામાં નહીં હોય તેમ જાણકારો માની રહ્યા છે. જેથી આ બ્રિજને તોડવા 6 મહિનાનો સમય આપ્યો છે. રાજસ્થાનના એક કોન્ટ્રાક્ટરે બ્રિજ તોડીને નવો બનાવવા માટે રૂ. 112 કરોડનું ટેન્ડર ભર્યું હતું.
એએમસીના સૂત્રોના કહેવા મુજબ 42 કરોડમાં તૈયાર કરાયેલો હાટકેશ્વર બ્રિજ માત્ર 5 વર્ષમાં જ તોડી નાંખવો પડે તેવી સ્થિતિ ઉભી થતાં મ્યુનિ.એ દ્વારા આ બ્રિજ બનાવનાર અજય ઇન્ફ્રાસ્ટ્રક્ચર સામે પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી. હવે આ બ્રિજ તોડી પાડી નવો બનાવવાનો સંપુર્ણ ખર્ચ અજય ઇન્ફ્રા. પાસેથી વસૂલવા માટેનો ઠરાવ સ્ટેન્ડિંગ કમિટીએ કર્યો છે.