રણમાં અગરિયાઓના બાળકોના શિક્ષણ માટે ખરીદેલી 10 બસો ઉપયોગ વિના ભંગાર બની ગઈ
• સરકારે મોડિફાઈ કરીને 80 લાખના ખર્ચે 10 બસો તૈયાર કરી હતી,
• સરકારી અધિકારીઓની લાપરવાહીથી સ્કૂલ બસો પડી પડી કાટ ખાઈ ગઈ,
• હાલ કડકડતી ઠંડીમાં તંબુમાં ભણતા અગરિયાના બાળકો
અમદાવાદઃ ગુજરાત સરકાર શાળાના બાળકો માટે અનેક યોજના બનાવે છે અને એની પાછળ લખલૂટ ખર્ચ પણ કરવામાં આવતો હોય છે. પરંતુ સારકારના જ જવાબદાર અધિકારીઓની લાપરવાહીને લીધે સરકારે ખર્ચેલા નાણા માથે પડે છે. કચ્છના નાના રણમાં ડિસેમ્બરમાં મીઠું પકવવા આવતા અગરિયાઓના બાળકોને ભણાવવા માટે સરકારે સ્પેશયલ મોડીફાઇડ કરી 80 લાખના ખર્ચે બનાવીને આપેલી 10 બસ શાળાઓના ખુલ્લા મેદાનમાં છેલ્લા બે વર્ષથી ઉપયોગ વગર પડી રહેતાં ભંગાર બની ગઈ છે. આ સ્કુલ બસ વપરાયા વિના જ ભંગાર બની ગઈ છે કે, ફરીવાર ઉપયોગમાં લઈ શકાય તેમ નથી. આમ સરકારે ખર્ચેલા લાખો રૂપિયા માથે પડ્યા છે. બીજીબાજુ અગરિયાના બાળકો હાલ કડકડતી ઠંડીમાં તંબુમાં બેસીને શિક્ષણ મેળવી રહ્યા છે.
કચ્છના નાના રણમાં અનેક અગરિયા પરિવારો વસવાટ કરી રહ્યા છે. ઉનાળાની અસહ્ય ગરમી કે કડકડતી ઠંડીમાં પણ કાળી મજુરી કરીને પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. અગરિયા પરિવારના બાળકો માટે તંબુ શાળા શરૂ કરવામાં આવી છે. પણ સરકારે મોડીફાઈ કરીને 10 જેટલી ખાસ સ્કૂલ બસ તૈયાર કરી હતી. તાલુકા મથકની સવારે બસ રણ વિસ્તારમાં જાય અને સાંજે પરત ફરે એવું આયોજન કરવામાં આવ્યું હતું. પણ અધિકારીઓના વાંકે આ આખીયે યોજના પાણીમાં ગઈ છે. અગરિયાઓના બાળકોને ભણાવવા માટે સરકારે સ્પેશયલ મોડીફાઇડ કરી 80 લાખના ખર્ચે બનાવીને આપેલી 10 બસ શાળાઓના ખુલ્લા મેદાનમાં છેલ્લા બે વર્ષથી ઉપયોગ વગર પડી રહેતાં ભંગાર બની ગઈ છે. આ સ્કુલ બસ વપરાયા વિના જ ભંગાર બની ગઈ છે. સ્કુલબસ ઉપયોગ લાયક ના રહેતા મજબૂરી વશ બાળકોને હવે ફરીથી રણમાં શિયાળાની કડકડતી ઠંડીમાં કાપડના ટેન્ટમાં ભણવાનો વારો આવ્યો છે.