બેંગ્લોરમાં સ્કૂટર સવારને 1.61 લાખનો દંડ, વાહનની કિંમત કરતાં પણ વધુ
બેંગલુરુ ટ્રાફિક પોલીસે એક ટુ-વ્હીલર જપ્ત કર્યું છે જે લગભગ એક વર્ષથી સતત ટ્રાફિકના નિયમોને તોડી રહ્યું હતું. આ સ્કૂટર પર કુલ 1.61 લાખનો દંડ બાકી હતો. કર્ણાટકમાં નોંધાયેલા આ યામાહા ફેસિનો સ્કૂટર સામે 311 ચલણ જારી કરવામાં આવ્યા હતા. આનો અર્થ એ થયો કે સ્કૂટર પર લાદવામાં આવેલ દંડ તેની અસલી ઓન-રોડ કિંમત કરતા વધારે છે.
સોશિયલ મીડિયાના માધ્યમથી પોલીસ એક્શનમાં આવી હતી
પોલીસે આ કાર્યવાહી ત્યારે કરી જ્યારે એક જાગૃત નાગરિકે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર) પર આ મામલો ઉઠાવ્યો. વ્યક્તિએ જણાવ્યું કે તે લાંબા સમયથી આ સ્કૂટરની ટ્રાફિક ભંગની ગતિવિધિઓ પર નજર રાખી રહ્યો હતો. તેણે સવાલ કર્યો હતો કે પોલીસે તેને અત્યાર સુધી કેમ કબજે કર્યો નથી. આ પછી, બેંગ્લોર ટ્રાફિક પોલીસે તરત જ સંજ્ઞાન લીધું અને સ્કૂટર જપ્ત કરી લીધું.
કયા પ્રકારના નિયમો તોડવામાં આવ્યા હતા?
ફેબ્રુઆરી 2023 થી, આ સ્કૂટર બેંગ્લોરમાં ઘણી વખત ટ્રાફિક સર્વેલન્સ કેમેરામાં ટ્રાફિકના નિયમો તોડતા ઝડપાઈ ગયું હતું. જેમાં હેલ્મેટ વિના સવારી કરવી, લાલ બત્તી કૂદવી, ખોટી લેનમાં વાહન ચલાવવું અને નો-પાર્કિંગ ઝોનમાં પાર્કિંગ કરવું જેવા અનેક ગંભીર ઉલ્લંઘનોનો સમાવેશ થાય છે.
પોલીસે અનેક વખત નોટિસ મોકલી, પરંતુ સ્કૂટર સવારે દંડ ભર્યો ન હતો. આખરે સોમવારે સિટી માર્કેટ ટ્રાફિક પોલીસે વાહન શોધી કાઢીને જપ્ત કર્યું હતું.
હવે પોલીસે સ્કૂટરના રજિસ્ટર્ડ માલિક પેરિયા સ્વામીને કાનૂની નોટિસ મોકલી છે. જ્યારે સ્કૂટર ચલાવનાર વ્યક્તિ સુદીપને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે.