'લોક સેવા દિવસ' નિમિત્તે નરેન્દ્ર મોદી કાર્યક્રમને કરશે સંબોધિત
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમવારે નવી દિલ્હીમાં લોક સેવા દિવસ પર આયોજિત કાર્યક્રમને સંબોધિત કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અધિકારીઓને લોક વહીવટમાં શ્રેષ્ઠતા માટે પ્રધાનમંત્રી પુરસ્કારો એનાયત કરશે.
પ્રધાનમંત્રી કાર્યાલય (PMO) દ્વારા જારી કરવામાં આવેલા એક નિવેદન અનુસાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી 21 એપ્રિલના રોજ સવારે 11 વાગ્યે નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં 17મા લોક સેવા દિવસ નિમિત્તે લોક સેવકોને સંબોધિત કરશે. ભારત સરકાર દર વર્ષે 21 એપ્રિલને સિવિલ સર્વિસ ડે તરીકે ઉજવે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હંમેશા દેશભરના લોક સેવકોને નાગરિકોના કલ્યાણ માટે સમર્પિત રહેવા, લોક સેવા માટે પ્રતિબદ્ધ રહેવા અને તેમના કાર્યમાં શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવા માટે પ્રોત્સાહિત કર્યા છે. તેઓ તેમને લોક વહીવટમાં શ્રેષ્ઠતા માટે પ્રધાનમંત્રી પુરસ્કાર પણ અર્પણ કરશે.
આ વર્ષે પ્રધાનમંત્રી મોદી જિલ્લાઓના સર્વાંગી વિકાસ, મહત્વાકાંક્ષી બ્લોક કાર્યક્રમ અને નવીનતાની શ્રેણીઓમાં લોક સેવકોને 16 પુરસ્કારો એનાયત કરશે. આ દ્વારા, લોક સેવકોને સામાન્ય નાગરિકોના કલ્યાણ માટે કરેલા કાર્ય માટે સન્માનિત કરવામાં આવશે.