લાન્સ નાયક નઝીર અહમદ વાનીને મરણોપરાંત અશોક ચક્ર, પત્નીએ ગ્રહણ કર્યું સમ્માન
લાંસ નાયક નઝીર અહમદ વાનીને મરણોપરાંત આપવામાં આવેલા અશોક ચક્ર સમ્માનને શનિવારે શહીદના પત્નીએ પ્રજાસત્તાક દિનના સમારંભમાં ગ્રહણ કર્યો હતો. વાનીએ જમ્મુ-કાશ્મીરમાં શહીદી વ્હોરતા પહેલા બે આતંકવાદીઓને મોતને ઘાટ ઉતાર્યા હતા.
70મા પ્રજાસત્તાક દિવસ પર વાનીના માતા સાથે તેમના પત્ની મહજબીને રાષ્ટ્રપતિ
રામનાથ કોવિંદ પાસેથી અશોક ચક્ર પુરસ્કાર ગ્રહણ કર્યો હતો. પુરસ્કાર ગ્રહણ કરતી
વખતે બાળકોની માતા અને શિક્ષિકા મહજબીનની આંખો પતિને યાદ કરતા આંસુઓથી છલકાઈ ગઈ
હતી.
રાષ્ટ્રીય રાઈફલ્સની 34મી બટાલિયન સાથે જોડાયેલા શહીદ નઝીર વાની આતંકવાદ છોડીને મુખ્યપ્રવાહમાં પાછા ફર્યા હતા. બે આતંકવાદીઓને ઠાર કર્યા બાદ તેઓ ગત વર્ષ 25 નવેમ્બરે કાશ્મીર ખીણના બટગુંડની નજીક હીરાપુર ગામમાં થયેલી અથડામણમાં શહીદ થયા હતા.
શહીદ નઝીર વાનીએ એન્કાઉન્ટરમાં લશ્કરે તૈયબાના ડિસ્ટ્રિક્ટ કમાન્ડર અને એક
વિદેશી આતંકવાદીને ઠાર કર્યા હતા. બાદમાં તેમને ઘણી ગોળીઓ વાગી હતી. શહીદ નઝીર
વાનીના માથામાં પણ ગોળી વાગી હતી. જેને કારણે તેઓ શહીદ થયા હતા. શહીદી પહેલા તેમણે
એક અન્ય આતંકીને પણ ઘાયલ કર્યો હતો.