રિપબ્લિક ડે પર વિરાટ સેનાને ન્યૂઝીલેન્ડ સામે મળી મોટી જીત
ભારતે શનિવારે માઉન્ટ માઉંગાનુઈના બે-ઓવલ મેદાન પર રમાયેલી બીજી વનડેમાં યજમાન ન્યૂઝીલેન્ડને 90 રનથી મ્હાત આપીને ભારતવાસીઓને રિપબ્લિક ડેની ભેંટ આપી છે. તેની સાથે જ ભારતે પાંચ મેચોની વનડે શ્રેણીમાં બે વિરુદ્ધ શૂન્યથી સરસાઈ બનાવીને સિરીઝની જીત તરફ મજબૂત રીતે પગલા આગળ વધાર્યા છે.
માઉન્ટ માઉંગાનુઈમાં મેળલી 90 રનોની જીત ભારતને ન્યૂઝીલેન્ડમાં યજમાન ટીમ
વિરુદ્ધ રનોની સરસાઈની દ્રષ્ટિએ અત્યાર સુધીની સૌથી મોટી જીત પ્રાપ્ત થઈ છે. આ
પહેલા ભારત 2009માં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ હેમિલ્ટનમાં 84 રનોથી જીત પ્રાપ્ત કરી હતી.
ભારતે પોતાના પાછલા રેકોર્ડને વધુ સુધારીને ન્યૂઝીલેન્ડને તેની ધરતી પર ધૂળ ચાટતું
કર્યું છે. જીત બાદ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ દેશવાસીઓને
પ્રજાસત્તાક દિવસની શુભેચ્છા પાઠવ્યા છે.
ન્યૂઝીલેન્ડમાં ભારતની સૌથી મોટી જીત
સ્થાન સરસાઈ તારીખ
માઉન્ટ માઉંગાનુઈ 90 26 જાન્યુઆરી, 2019
હેમિલ્ટન 84 11 માર્ચ, 2009
ક્રાઈસ્ચર્ચ 58 8 માર્ચ, 2009
નેપિયર 53 3 માર્ચ, 2009
ટીમ ઈન્ડિયાએ પોતાના બેટ્સમેનોના કમાલ બાદ બોલરોની ધમાલથી ન્યૂઝીલેન્ડને
હરાવીને બે વિરુદ્ધ શૂન્યથી શ્રેણીમાં સરસાઈ પ્રાપ્ત કરી છે. ભારતના 325 રનના
લક્ષ્યાંકનો પીછો કરતા ન્યૂઝીલેન્ડની ટીમ કુલદીપ યાદવ (45 રનમાં ચાર વિકેટ), ભુવનેશ્વર
કુમાર (42 રન પર બે વિકેટ) અને યુજવેન્દ્ર ચહલ (52 રન પર બે વિકેટ)ની શાનદાર
બોલિંગની સામે 40.2 ઓવરમાં 234 રન પર ઠેર થઈ ગઈ હતી. કેદાર જાધવે 35 રન આપીને એક
વિકેટ અને મોહમ્મદ શમીએ 43 રન આપીને એક વિકેટ ઝડપી હતી. ન્યૂઝીલેન્ડની ક્રિકેટ
ટીમની નિયમિત અંતરાલ પર વિકેટ પડવાને કારણે 325 રનના સ્કોરનું લક્ષ્ય પ્રાપ્ત થવું
અશક્ય બન્યું હતું.
ન્યૂઝીલેન્ડની ટીમના ટોચના છ બેટ્સમેનમાંથી તમામ બેવડા અંકમાં પહોંચ્યા હતા.
પરંતુ તેઓ મોટો દાંવ રમી શક્યા નહીં. આઠમા ક્રમાંકે બેટિંગ કરવા માટે ઉતરેલા ડગ
બ્રેસવેલે સૌથી વધુ 57 રન બનાવ્યા હતા.
આ પહેલા ભારતના ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્માએ 87 અને શિખર ધવને 66 રન સાથે
અર્ધશતક નોંધાવ્યા હતા. બંને ઓપનિંગ બેટ્સમેન વચ્ચે પહેલી વિકેટની 154 રનની
ભાગીદારીને કારણે ચાર વિકેટે ભારતીય ક્રિકેટ ટીમ 324 રન બનાવી શકી હતી. કેપ્ટન
વિરાટ કોહલીએ 43 અને અંબતિ રાયડુએ 47 રન કર્યા હતા. તો મહેન્દ્રસિંહ ધોની 33
બોલમાં પાંચ ચોગ્ગા અને એક છગ્ગા સાથે અણનમ 48 રન કર્યા હતા. જ્યારે કેદાર જાધવે
10 બોલમાં ત્રણ ચોગ્ગા અને એક છગ્ગા સાથે 22 રન કર્યા હતા. પાંચમી વિકેટ માટે 4.2
ઓવરમાં 53 રનની અતૂટ ભાગીદારીને કારણે ભારતનો સ્કોર 300 રનને પાર થઈ શક્યો હતો.
આ બંને બેટ્સમેનના રનને કારણે ભારતે અંતિમ પાંચ ઓવરોમાં 57 રન કર્યા હતા.
ન્યૂઝીલેન્ડ માટે ઝડપી બોલર ટ્રેન્ટ બોલ્ટે 61 રનમાં બે અને લોકી ફર્ગ્યૂસને 81
રનમાં બે વિકેટ ઝડપી હતી. તેઓ ન્યૂઝીલેન્ડ તરફથી આ મેચ પુરતા સૌથી સફળ બોલર રહ્યા
હતા.
ભારતે નેપિયર ખાતેની ન્યૂઝીલેન્ડ સામેની શ્રેણીની પ્રથમ વનડેમાં આઠ વિકેટથી
જીત પ્રાપ્ત કરી હતી. આ વનડે શ્રેણીની ત્રીજી મેચ આ મેદાન પર જ 28 જાન્યુઆરીએ
રમાવાની છે.