યુદ્ધવિમાનોની તંગી સામે લડી રહેલી ઈન્ડિયન એરફોર્સનું વધુ એક જગુઆર ક્રેશ
ઉત્તરપ્રદેશના કુશીનગરમાં સોમવારે બપોરે ભારતીય વાયુસેનાનું એક યુદ્ધવિમાન જગુઆર ક્રેશ થયું છે. જગુઆર તેની ઉડાણની ગણતરીની મિનિટોમાં જ ક્રેશ થયું હતુ. પાયલટને આ દુર્ઘટનામાં કોઈ નુકસાન થયું નથી. આ યુદ્ધવિમાન કુશીનગરના ગ્રામીણ વિસ્તારોમાં ખેતરમાં જઈને ક્રેશ થયું હતું. જેવું આ યુદ્ધવિમાન ખેતરોમાં જઈને પડયું કે તેમા આગ લાગી ગઈ હતી. યુદ્ધવિમાનને જોવા માટે અહીં ભીડ એકત્રિત થઈ હતી.
આ જગુઆરે ગોરખપુર એરબેઝ પરથી ઉડાણ ભરી હતી. પ્લેન ક્રેશ થતા પહેલા જ પાયલટે
પોતાની સૂઝ-બૂઝથી પોતાનો જીવ બચાવ્યો હતો. ક્રેશની થોડીક સેકન્ડો પહેલા પાયલટ
વિમાનમાંથી સફળતાપૂર્વક ઈજેક્ટ થયો હતો. પાયલટની સમજદારીને કારણે જગુઆર રહેણાંકના
સ્થાને ખેતરમાં જઈ પડયું હતું. જેના કારણે સામાન્ય લોકોને કોઈ નુકસાન થયું નથી.
વાયુસેનાએ પોતાના તરફથી જગુઆર ક્રેશની દુર્ઘટનાની કોર્ટ ઓફ ઈન્ક્વાયરીના આદેશ
આપ્યા છે. દુર્ઘટના બાદ વાયુસેનાએ સર્ચ ઓપરેશન પણ હાથ ધર્યું છે. આ ઓપરેશનમાં બે
હેલિકોપ્ટરોને પણ લગાવવામાં આવ્યા છે.
ગત વર્ષ ગુજરાતના કચ્છમાં પણ એક જગુઆર ક્રેશ થયું હતું. જૂન-2018માં થયેલી
દુર્ઘટનામાં પાયલટ સંજય ચૌહાન શહીદ થયા હતા.
જણાવવામાં આવે છે કે કુશીનગર ખાતે ક્રેશ થયેલું જગુઆર ટ્રેનિંગ દરમિયાન રુટિન
ઉડ્ડયન પર હતું. પરંતુ ઉડાણ ભરવાની દશ મિનિટમાં જ તે દુર્ઘટનાગ્રસ્ત થયું હતું.
વાયુસેનામાં જગુઆર ખાસ પ્રકારનું યુદ્ધવિમાન છે. આ યુદ્ધવિમાન દુશ્મનના
વાયુક્ષેત્રમાં ઘણાં અંદર સુધી ઘૂસીને હુમલો કરી શકે છે. જગુઆરની મદદથી દુશ્મના
કેમ્પ, એરબેઝ અને વોરશિપ્સને આસાનીથી નિશાન બનાવી શકાય છે. જગુઆરની ખાસિયત છે કે
તે ઓછી ઊંચાઈ પર ઉડ્ડયન કરીને રડારને થાપ આપીને દુશ્મનના નાકમાં દમ કરી શકે છે.