ભારત સરકારે ભૂટાનની 13મી પંચવર્ષીય યોજના માટે રૂ. 10,000 કરોડની સહાયની જાહેરાત કરી
નવી દિલ્હીઃ ભારત અને ભૂટાન વચ્ચે વિકાસ સહયોગ અંગે મહત્ત્વપૂર્ણ વાટાઘાટોનવી દિલ્હીમાં પૂર્ણ થઈ છે. ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ વિદેશ મંત્રાલયના સચિવ (પશ્ચિમ) તન્મય લાલે કર્યું હતું, જ્યારે ભૂટાનનું પ્રતિનિધિત્વ વિદેશ સચિવ ઓમ પેમા ચોડેન દ્વારા કરવામાં આવ્યું હતું. આ વાટાઘાટો બંને દેશો વચ્ચે ચાલી રહેલા વિકાસ કાર્યક્રમોની સમીક્ષા કરવા અને ભવિષ્યની યોજનાઓની ચર્ચા કરવા માટે યોજાઈ હતી. ઉલ્લેખનીય છે કે, ભારત અને ભૂટાન વચ્ચેના સંબંધો પરસ્પર વિશ્વાસ, સદ્ભાવના અને ઊંડા મૈત્રીપૂર્ણ સંબંધો પર આધારિત છે. વાટાઘાટો દરમિયાન, ભારત સરકારે ભૂટાનની 13મી પંચવર્ષીય યોજના (2024-2029) માટે 10,000 કરોડ (100 અબજ) રૂપિયાની સહાયની જાહેરાત કરી હતી. આ સહાય ચાર ભાગોમાં આપવામાં આવશે: પ્રોજેક્ટ આધારિત સહાય (PTA), ઉચ્ચ અસર સમુદાય વિકાસ પ્રોજેક્ટ્સ (HICDP), આર્થિક પ્રોત્સાહન કાર્યક્રમ (ESP) અને કાર્યક્રમ ગ્રાન્ટના રૂપમાં બજેટરી સહાય.
બેઠકમાં જણાવવામાં આવ્યું હતું કે, અત્યાર સુધીમાં 61 PTA આધારિત પ્રોજેક્ટ્સ ચાલી રહ્યા છે, જેનો કુલ ખર્ચ રૂ. 4958 કરોડ (49.58 અબજ) છે. આ ઉપરાંત, વિવિધ ક્ષેત્રોમાં 283 HICDP પ્રોજેક્ટ્સ પણ ચાલી રહ્યા છે, જેના પર રૂ.417 કરોડ (4.17 અબજ) ખર્ચ કરવામાં આવી રહ્યા છે. ભારત સરકારે અત્યાર સુધીમાં ESP માટે રૂ. 750 કરોડ (7.50 અબજ) અને પ્રોગ્રામ ગ્રાન્ટ તરીકે રૂ. 100 કરોડ (1 અબજ) જારી કર્યા છે. બેઠકમાં આ તમામ પ્રોજેક્ટ્સની પ્રગતિની સમીક્ષા કરવામાં આવી હતી અને જરૂરિયાત મુજબ કેટલાક પ્રોજેક્ટ્સના ભંડોળમાં સુધારો કરવા પણ સંમતિ આપવામાં આવી હતી.
આ ઉપરાંત, ભૂટાન દ્વારા 10 નવા પ્રોજેક્ટ્સ પણ રજૂ કરવામાં આવ્યા હતા, જેનો કુલ ખર્ચ રૂ. 1113 કરોડ (11.13 અબજ) છે. આમાં આરોગ્ય, કનેક્ટિવિટી, શહેરી માળખાગત સુવિધાઓ અને પશુપાલન જેવા ક્ષેત્રોનો સમાવેશ થાય છે. ભારત અને ભૂટાન બંનેએ આ તમામ પ્રોજેક્ટ્સને મંજૂરી આપી હતી. ભારતે પણ ખાતરી આપી હતી કે, તે ભૂટાનના રાજા અને ભારતના વડા પ્રધાનના સહિયારા દ્રષ્ટિકોણ પર આધારિત ભૂટાનની વિકાસ યાત્રાને સમર્થન આપવાનું ચાલુ રાખશે. વાટાઘાટો સૌહાર્દપૂર્ણ અને સહકારી વાતાવરણમાં થઈ હતી, જે ભારત અને ભૂટાન વચ્ચેના ખાસ અને મજબૂત સંબંધોની પરંપરાને પ્રતિબિંબિત કરે છે. બંને દેશો સંમત થયા હતા કે, આગામી વિકાસ સહયોગ વાટાઘાટો યોગ્ય સમયે થિમ્પુમાં યોજાશે.