ભારતના યુવા સ્ટાર બેટ્સમેન અભિષેક શર્માએ ICC T20 રેન્કિંગ્સમાં ઇતિહાસ રચ્યો
નવી દિલ્હીઃ ભારતના યુવા સ્ટાર બેટ્સમેન અભિષેક શર્માએ ICC T20 રેન્કિંગ્સમાં ઇતિહાસ રચ્યો છે. અભિષેક સૌથી વધુ રેટિંગ પોઈન્ટ્સ મેળવનાર બેટ્સમેન બની ગયા છે. આ સાથે જ, પાકિસ્તાનના સઈમ અયૂબે હાર્દિક પંડ્યાની T20 ઓલરાઉન્ડરની 'બાદશાહત' સમાપ્ત કરી દીધી છે. 25 વર્ષીય અભિષેક શર્માએ અત્યાર સુધીની સર્વોચ્ચ રેટિંગ (931) હાંસલ કરીને લગભગ પાંચ વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો છે. અભિષેકે એશિયા કપ 2025ની 7 મેચોમાં 44.86ની સરેરાશ રનરેટ સાથે 314 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેમણે સુપર-4 મેચોમાં પાકિસ્તાન સામે 74 રન, જ્યારે બાંગ્લાદેશ સામે 75 રનની ઇનિંગ્સ રમી હતી. શ્રીલંકા સામે અભિષેકે 61 રન બનાવ્યા હતા. અભિષેકે ગયા વર્ષે જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું. તેમણે એશિયા કપ 2025માં 'પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ' તરીકે પણ પસંદ કરાયા છે.
એશિયા કપમાં શાનદાર પ્રદર્શન સાથે અભિષેક શર્મા 931 પોઈન્ટ્સની રેટિંગ પર પહોંચી ગયા. આ સાથે જ તેમણે 919 પોઈન્ટ્સની અગાઉની સર્વશ્રેષ્ઠ રેટિંગને પાછળ છોડી દીધી, જે ઇંગ્લેન્ડના બેટ્સમેન ડેવિડ મલાને 2020માં હાંસલ કરી હતી. આ ડાબેરી બેટ્સમેને પોતાના સાથી ખેલાડીઓ સૂર્યકુમાર યાદવ અને વિરાટ કોહલીની અગાઉની સર્વશ્રેષ્ઠ રેટિંગ્સને પણ પાછળ છોડી દીધી છે.
T20 ઓલરાઉન્ડરની રેન્કિંગમાં હાર્દિક પંડ્યા એક સ્થાન નીચે સરકીને બીજા ક્રમે પહોંચી ગયા છે, જ્યારે પાકિસ્તાનના સઈમ અયૂબ ચાર સ્થાનની છલાંગ લગાવીને ટોચનું સ્થાન હાંસલ કરી ચૂક્યા છે. હાર્દિક પંડ્યા આ એશિયા કપમાં છ મેચ રમ્યા, જેમાં માત્ર 4 જ વિકેટ લઈ શક્યા. તેમણે પોતાના બેટથી માત્ર 48 રન ટીમ માટે જોડ્યા. બીજી તરફ, પાકિસ્તાનના સઈમ અયૂબે આ એશિયા કપમાં ભલે બેટથી નિરાશ કર્યા હોય, પરંતુ બોલિંગમાં પોતાનો જલવો બતાવ્યો. તેમણે ઓમાન સામે માત્ર 8 રન આપીને 2 વિકેટ લીધી. તો ભારત સામે 35 રન આપીને 3 વિકેટ ઝડપી. સઈમ અયૂબે આ એશિયા કપમાં 7 મેચ રમતા કુલ 8 વિકેટ હાંસલ કરી છે.