નરેન્દ્ર મોદીએ શ્રીલંકાના ક્રિકેટ દિગ્ગજો સાથે વાતચીત કરી
ચેન્નાઈઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોલંબોની મુલાકાત દરમિયાન શ્રીલંકાની 1996 વર્લ્ડ કપ વિજેતા ટીમના સભ્યો સાથે ખાસ વાતચીત કરી હતી. આ દરમિયાન PM મોદીએ સનથ જયસૂર્યા, ચામિંડા વાસ, અરવિંદા ડી સિલ્વા, મારવાન અટાપટ્ટુ, રવિન્દ્ર પુષ્પકુમારા, ઉપુલ ચંદના, કુમાર ધર્મસેના અને રોમેશ કાલુવિથરાના સહિત શ્રીલંકાના ક્રિકેટ દિગ્ગજો સાથે વાતચીત કરી.
પ્રધાનમંત્રી મોદીએ આ પ્રસંગે કહ્યું કે ભારતની 1983ની વર્લ્ડ કપ જીત અને શ્રીલંકાની 1996ની વર્લ્ડ કપ જીતથી વૈશ્વિક ક્રિકેટ પરિદ્રશ્યમાં ક્રાંતિકારી પરિવર્તન આવ્યા. તેમણે કહ્યું કે 1996ના વર્લ્ડ કપમાં શ્રીલંકન ટીમના આક્રમક અને નવીન રમતે ખરેખર T20 ક્રિકેટના જન્મને પ્રેરણા આપી. તેમણે 1996માં ભારતના શ્રીલંકાના પ્રવાસનો પણ ઉલ્લેખ કર્યો, જ્યારે બોમ્બ વિસ્ફોટો છતાં ભારતે શ્રીલંકાની મુલાકાત લીધી હતી, અને તેને રમતગમત અને કાયમી મિત્રતાનું પ્રતીક ગણાવ્યું. પ્રધાનમંત્રીએ 2019ના આતંકવાદી હુમલા પછી શ્રીલંકાની મુલાકાતનું ઉદાહરણ આપ્યું અને કહ્યું કે ભારતની ભાવના હંમેશા સમાન રહે છે.