ગુજરાત: 2 વર્ષમાં 7 હજારથી વધુ બાયોગેસ પ્લાન્ટ સ્થાપિત થયા
અમદાવાદઃ વાયુ-પ્રદુષણ આપણા સૌ માટે ચિંતાનો વિષય છે. આ પ્રદુષણ ઘટાડવા માટે અનેકવિધ પ્રયાસો થઈ રહ્યા છે. બાયોગેસ પ્લાન્ટ વાયુ પ્રદુષણ ઘટાડવા આવો જ એક મહત્વપૂર્ણ પ્રયાસ છે. ગુજરાતમાં છેલ્લા 2 વર્ષમાં 7 હજારથી વધુ બાયોગેસ પ્લાન્ટ સ્થાપિત થયા છે. આ પ્લાન્ટથી ગામડાના પરિવારોને શું લાભ થઈ રહ્યો છે, જોઈએ અમારા આ વિશેષ અહેવાલમાં
ગુજરાતના ગામડાની સમૃદ્ધિમાં શ્વેત ક્રાંતિનું અમૂલ્ય યોગદાન છે. આ શ્વેત ક્રાંતિ ગામડાઓમાં ઉર્જા માટેના વિકલ્પમાં પણ ઉપયોગી બની રહી છે. સ્વચ્છ ભારત ગ્રામીણ મિશન હેઠળ ગોબરધન યોજના અંતર્ગત રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં 7,400થી વધુ વ્યક્તિગત બાયોગેસ પ્લાન્ટ સ્થાપિત થયા છે.જેના કારણે કચરાના વ્યવસ્થાપનના પ્રશ્નો ઉકેલાયા છે, બહેનોને સ્વચ્છ ઈંધણ મળ્યું છે અને ખેતીમાં ઉત્તમ ખાતર મળ્યું છે. જે પરિવારોની આવક ઓછી છે તેમને બાયોગેસ પ્લાંટની સ્થાપનાના ખર્ચ માટે સરકાર અંદાજે 90 ટકા નાણાકીય સહાય આપે છે.
ગુજરાતના ગામડાઓ આ સ્વચ્છ ઉર્જાની ક્રાંતિમાં સહભાગી થઈ રહ્યા છે. જેનાથી આપણી આવતીકાલ હરિયાળી બનશે. આ મિશનના પગલે આપણું હરિયાળા ભારતનું સ્વપ્ન તો સાકાર થશે જ, સાથો-સાથ વિશ્વ માટેના ટકાઉ વિકાસના લક્ષ્યાંકોને સિદ્ધ કરવામાં પણ સહાય મળશે.