ગુજરાત, ઝારખંડ બાદ યુપીમાં પણ ગરીબ સવર્ણોને 10 ટકા અનામત મળશે
યુપીના સીએમ યોગી આદિત્યનાથના કેબિનેટે કર્યો મહત્વપૂર્ણ નિર્ણય
ભાજપશાસિત ગુજરાત અને ઝારખંડ બાદ હવે ઉત્તરપ્રદેશમાં
યોગી આદિત્યનાથની સરકારે પણ ગરીબ સવર્ણોને દશ ટકા અનામત આપવાના મામલે મંજૂરીની
મ્હોર લગાવી દીધી છે. યુપી કેબિનેટની શુક્રવારની બેઠકમાં આના સંદર્ભે નિર્ણય
કરવામાં આવ્યો છે. ઉત્તરપ્રદેશ સરકારના પ્રવક્તા અને કેબિનેટ પ્રધાન શ્રીકાંત
શર્માએ બેઠક બાદ રાજ્યના કેબિનેટમાંલેવામાં આવેલા નિર્ણયની જાણકારી આપી હતી. કેન્દ્ર
સરકાર તરફથી સરકારી નોકરીઓ અને ઉચ્ચ શિક્ષણમાં સામાન્ય શ્રેણીના આર્થિકપણે નબળા
વર્ગાના લોકો માટે દશ ટકા અનામતની વ્યવસ્થાને અત્યાર સુધીમાં ત્રણ રાજ્યોમાં લાગુ
કરવામાં આવી છે.
લોકસભા અને રાજ્યસભામાં ખરડો પારીત થયા બાદ
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સંબંધિત બંધારણીય સંશોધનને મંજૂરી આપી હતી. સૌથી પહેલા
ગુજરાત સરકારે આ નિર્ણયને લાગુ કર્યો હતો. ગુજરાત સરકારે એક નિવેદનમાં કહ્યું હતું
કે 1મી જાન્યુઆરીએ ઉત્તરાયણ શરૂ થવાની સાથે જ સામાન્ય શ્રેણીના આર્થિકપણે નબળા
વર્ગના લોકોને ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ અને સરકારી નોકરીઓમાં દશ ટકા અનામત
મળશે. તેમણે એમ પણ કહ્યુ છે કે અનામતની નવી વ્યવસ્થા એવી પ્રવેશ પ્રક્રિયા અને
નોકરીઓ મટે પ્રભાવી બનશે કે જેના માટે જાહેરાત 14મી જાન્યુઆરી પહેલા થઈ હોય, પરંતુ
વાસ્તવિક પ્રક્રિયા શરૂ થઈ ન હોય.
આવા મામલામાં પ્રવેશ પ્રક્રિયા અને નોકરીઓ માટે
નવેસરથી ઘોષણા કરવામાં આવશે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ભરતી અથવા પ્રવેશ
પ્રક્રિયા – પરીક્ષા અથવા ઈન્ટરવ્યૂ-1 જાન્યુઆરીથી પહેલા શરૂ થઈ ચુકી હોય, તો તેવા
મામલામાં 10 ટકા અનામત લાગુ થશે નહીં. ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત
ચાવડાએ ઘોષણાની નિંદા કરતા કહ્યુ છે કે આનાથી ભ્રમ ફેલાશે.
સવર્ણ વર્ગના આર્થિક રીતે નબળા લોકોને શૈક્ષણિક
સંસ્થાઓ અને સરકારી નોકરીઓમાં દશ ટકા અનામત આપવાના નિર્ણયને કેન્દ્રીય કેબિનેટે
સાતમી જાન્યુઆરીએ મંજૂરી આપી હતી. બાદમાં અનામત વ્યવસ્થાને લાગુ કરવા માટે આઠમી
જાન્યુઆરીએ લોકસભામાં બંધારણના 12મા સંશોધન વિધેયકને રજૂ કરવામાં આવ્યું હતું.
લાંબી ચર્ચા બાદ આ બિલ લોકસભામાં પારીત થયુ હતું.
તેના બીજા દિવસે રાજ્યસભામાં બંધારણીય સંશોધન વિધેયક
બિલને લાંબી ચર્ચા બાદ મંજૂર કરવામાં આવ્યું હતું. બંને ગૃહોમાં ખરડો પારીત થયા
બાદ તેને મંજૂરી માટે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સમક્ષ મોકલવામાં આવ્યો હતો.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ખરડા પર હસ્તાક્ષર કરીને તેને મંજૂરી આપી હતી. આ અનામત
એસસી, એસટી અને ઓબીસી વર્ગના લોકોને મળનારા 49.5 ટકા અનામતથી અલગ હશે.