કોલેજિયમનો નિર્ણય જાહેર નહીં કરવો નિરાશાજનક : જસ્ટિસ લોકુર
સુપ્રીમ કોર્ટના રિટાયર જસ્ટિસ મદન લોકુરે ગત વર્ષે સુપ્રીમ કોર્ટના કોલેજિયમના નિર્ણયને જાહેર નહીં કરવાનના મામલે સવાલ ઉભો કર્યો છે. જસ્ટિસ પ્રદીપ નંદરાજોગ અને જસ્ટિસ રાજેન્દ્ર મેનનને પદોન્નતિ આપવા સંદર્ભે 12 ડિસેમ્બર-2018ના રોજ સુપ્રીમ કોર્ટના કોલેજિયમે નિર્ણય કર્યો હતો. તેને જાહેર કરવામાં આવ્યો નથી. બુધવારે એક કાર્યક્રમમાં તેમણે કહ્યુ હતુ કે કોલેજિયમની પ્રણાલીમાં સુધારણા કરવાની જરૂરત છે.
જસ્ટિસ લોકુરે કહ્યુ છેકે આનાથી તેમને નિરાશા થઈ છે કે 12 ડિસેમ્બર-2018ના રોજ
મંજૂર થયેલા પ્રસ્તાવને જાહેર કરવામાં આવ્યો નથી. આવું કેમ કરવામા આવ્યું તેના
વિશે તેમને જાણકારી નથી. મહત્વપૂર્ણ છે કે કોલેજિયમના 12મી ડિસેમ્બરના નિર્ણયથી
વિપરીત કોલેજિયમે 10મી જાન્યુઆરીએ 32 અન્ય ન્યાયાધીશોને અવગણીને જસ્ટિસ દિનેશન
માહેશ્વરી અને જસ્ટિસ સંજીવ ખન્નાને સુપ્રીમ કોર્ટમાં પદોન્નત કર્યા હતા.
તેમને પુછવામાં આવ્યું કે ક્યાં કારણથી કોલેજિયમને આ નિર્ણય લીધો? તેના જવાબમાં જસ્ટિસ લોકુરે કહ્યુ છે કે તેમને વધારાની સામગ્રી જાણકારી નથી
કે જેના કારણે કોલેજિયમને ડિસેમ્બરનો નિર્ણય બદલ્યો હતો.
તેમણે એમ પણ કહ્યુ હતુ કે હાલની સ્થિતિમાં કોલેજિયમ પ્રણાલી મહત્વપૂર્ણ છે અને
પ્રણાલીને સુધારવા તથા તેમા શ્રેષ્ઠતા લાવવાની જરૂરત છે. મહત્વપૂર્ણ છે સુપ્રીમ
કોર્ટના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ દીપક મિશ્રા વિરુદ્ધ પ્રેસ કોન્ફરન્સ
કરનારા ચાર ન્યાયાધીશોમાં જસ્ટિસ લોકુર પણ સામેલ હતા. જસ્ટિસ લોકુર ગત વર્ષ 30મી
ડિસેમ્બરે સુપ્રીમ કોર્ટમાંથી રિટાયર થયા છે.
જસ્ટિસ લોકુરના સેવાનિવૃત્ત થયા બાદ જસ્ટિસ અરુણ મિશ્રાને કોલેજિયમમાં સામેલ
કરવામાં આવ્યા હતા. હાલ કોલેજિયમમાં મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ રંજન ગોગોઈ, જસ્ટિસ એ.
કે. સિકરી, જસ્ટિસ એસ. એ. બોબડે, જસ્ટિસ એન. વી. રમણા અને જસ્ટિસ અરુણ મિશ્રા
સામેલ છે.
સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશોની નિમણૂકને લઈને છેલ્લા ઘણાં સમયથી ચર્ચાઓ થતી
રહે છે અને તેમા પારદર્શકતા લાવવાની વાત પણ કહેવામાં આવી છે. કોલેજિયમમાં સુપ્રીમ
કોર્ટના ટોચના પાંચ ન્યાયાધીશોનો સમૂહ હોય છે. તેઓ અન્ય ન્યાયાધીશોની નિયુક્તિ કરે
છે. જેમાં ભારતના મુખ્ય ન્યાયાધીશ સિવાય સુપ્રીમ કોર્ટના ચાર સિનિયર જજોનો સમાવેશ
કરવામાં આવે છે. કોલેજિયમ સિસ્ટમમાં પાંચ જજોની ફોરમ ન્યાયાધીસોની નિયુક્તિ અને
બદલીની ભલામણ કરે છે. કોલેજિયમની ભલામણ માનવી કેન્દ્ર સરકાર માટે જરૂરી હોય છે.