કસાઈગીરીમાંથી ગૌસેવામાં લાગેલા 58 વર્ષીય શબ્બીરને મળ્યો પદ્મશ્રી પુરસ્કાર
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે શુક્રવારે પદ્મ પુરસ્કારોની ઘોષણા કરી હતી. આ એલાન મુજબ, 112 પદ્મ પુરસ્કારોની ઘોષણા કરાઈ છે. જેમાં 9 લોકોને પદ્મશ્રી, 14ને પદ્મભૂષણ અને ચાર હસ્તીઓને પદ્મવિભૂષણથી નવાજવામાં આવી છે. આ પુરષ્કાર કળા, સામાજિક સેવા, સાઈન્સ, એન્જિનિયરિંગ, ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રી, ચિકિત્સા, સાહિત્ય અને શિક્ષણ, ખેલ અને નાગરિક સેવા સહીતના કોઈપણ ક્ષેત્રમાં વિશેષ ઉલ્લેખનીય કામગીરી કરનારાઓને આપવામાં આવે છે.
પદ્મ પુરષ્કાર
મેળવનારાઓમાં એક એવો શખ્સ પણ સામેલ છે કે જે પહેલા કતલખાનું ચલાવતો હતો અને બાદમાં
કતલખાનાની કામગીરી છોડીને ગૌમાતાનો સેવક બની ગયો હતો. મહારાષ્ટ્રના બીડ જિલ્લાના
શિરુર કાસાર તાલુકાના વતની 58 વર્ષીય શબ્બીર સૈયદને સામાજિક કાર્ય અને પશુ કલ્યાણ
માટે પદ્મશ્રી આપવાની ઘોષણા કરવામાં આવી છે. તે પોતાના પરિવાર સાથે ગત 50 વર્ષથી
ગાયની સેવા કરી રહ્યો છે. તે એક એવા વિસ્તારમાંથી આવે છે કે જ્યાં ઘણીવાર પાણીની
તંગીની સ્થિતિ બનતી હોય છે. તેના વિસ્તારમાં જાનવરોના ભૂખ-તરસથી મોત સુદ્ધાં નીપજવાની
ઘટનાઓ બને છે. પરંતુ શબ્બીર તમામ મુશ્કેલીઓ છતાં ગાયોની સેવા જીવ રેડીને કરી રહ્યો
છે. રસપ્રદ વાત એ છે કે તે ગાયને કાપવા માટે પણ વેચતો નથી અને ન તો તે ગાયનું દૂધ
વેચે છે. તે ગાયના છાણને વેચીને પોતાનો આખો ખર્ચ કાઢે છે. જણાવવામાં આવે છે કે
શબ્બીર ગાયનું છાણ વેચીને દર વર્ષે 70 હજાર રૂપિયા કમાઈ લે છે.
શબ્બીર બળદનું
વેચાણ કરે છે, પરંતુ તે માત્ર ખેડૂતોને જ બળદ વેચે છે. એટલું જ નહીં, શબ્બીર સૈયદ
કાગળ પર ખેડૂત પાસે લખાવી પણ લે છે કે તે ક્યારેય ખરીદેલો બળદ કસાઈને વેચશે નહીં. તેના
સિવાય તે ઘણું ડિસ્કાઉન્ટ પણ આપે છે. શબ્બીર સૈયદનું કહેવું છે કે જો કોઈ ગાય અથવા
તેના બાળકનું મોત થઈ જાય છે, તો તેને તેની અપાર પીડા થાય છે. તેને લાગે છે કે તેના
પરિવારનો કોઈ સભ્ય દુનિયા છોડીને ચાલ્યો ગયો છે.
ગૌમાતાની સેવામાં
શબ્બીર સૈયદને તેનો આખો પરિવાર સાથ આપે છે. આ પરિવારની આર્થિક સ્થિતિ વધુ સારી
નથી. પરંતુ તેમ છતાં શબ્બીર સૈયદ ગૌમાતાની સેવા કરવામાં કોઈ કોરકસર છોડતા નથી.
હાલમાં શબ્બીર સૈયદની પાસે 165 જેટલા ગૌવંશ છે. ગાયોના પાલન-પોષણ અને તેની સેવા
કરવાની પરંપરાને શબ્બીર સૈયદના પિતા બુદન સૈયદે 70ના દશકમાં શરૂ કરી હતી.
શબ્બીર સૈયદે
કહ્યુ છે કે તેમના પિતા બુદન સૈયદ કસાઈના વ્યવસાયમાંથી છૂટકારો મેળવવા માંગતા હત.
માટે બુદન સૈયદે કતલખાનું બંધ કરીને ગૌરક્ષા અને ગૌસેવાનું કામ શરૂ કર્યું હતું. આ
કામગીરી માત્ર બે ગાયોની સાથે શરૂ થઈ હતી. બાદમાં 1972માં શબ્બીર સૈયદે પોતાના
પિતાના પદચિન્હો પર ચાલતા 10 ગાયોની ખરીદી કરી અને ગાયોની સેવાના કામનો પ્રારંભ
કર્યો હતો. આ સિવાય શબ્બીરનો આખો પરિવાર બીફ પણ ખાતો નથી. શબ્બીર સૈયદના પત્ની
આશરબી, પુત્ર રમઝાન અને યૂસુફ અને પૂત્રવધૂ રિઝવાન તથા અંજુમ પણ બીફ ખાતા નથી. આખો
પરિવાર ગાયોની ખૂબ દિલથી સેવા કરી રહ્યો છે.