કર્ણાટકઃ સહકારી બેંકમાં લૂંટારૂઓ ત્રાટક્યાં, 12 કરોડની મતાની લૂંટ
બેંગ્લોરઃ કર્ણાટકના મેંગલુરુમાં એક સહકારી બેંકમાંથી સશસ્ત્ર માસ્ક પહેરેલા લૂંટારુઓએ આશરે 10 થી 12 કરોડ રૂપિયાની કિંમતી વસ્તુઓ લૂંટ્યાં હતા. આ ઘટના મેંગલુરુમાં કોટેકર સર્વિસ કોઓપરેટિવ બેંકમાં બની હતી. પોલીસે સમગ્ર ઘટનાને ધ્યાનમાં રાખીને લૂંટારુઓને ઝડપી લેવા માટે કવાયત શરૂ કરી છે.
એક પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, 5 થી 6 માસ્ક પહેરેલા માણસો પિસ્તોલ, તલવારો અને છરીઓ સહિતના હથિયારો સાથે બેંકમાં ઘૂસ્યા હતા. લૂંટારુઓ હિન્દી અને કન્નડ ભાષામાં બોલતા હતા, અને કર્મચારીઓને ધમકાવતા હતા અને સોનાના દાગીના અને અન્ય કિંમતી વસ્તુઓ ધરાવતી તિજોરી ખોલવા દબાણ કરતા હતા. તેઓ રોકડ અને ઘરેણાં લઈને વાદળી રંગની ફિયાટ કારમાં ભાગી ગયા.
પોલીસે જણાવ્યું હતું કે ઘટના સમયે બેંકમાં ચારથી પાંચ કર્મચારીઓ હાજર હતા, પરંતુ કોઈ સુરક્ષા ગાર્ડ ફરજ પર હાજર નહોતો. પ્રારંભિક અંદાજ મુજબ, બેંકમાંથી લૂંટાયેલી રોકડ અને ઝવેરાતની કિંમત રૂ. 10 કરોડથી 12 કરોડની વચ્ચે છે, જોકે વિગતવાર મૂલ્યાંકન હજુ બાકી છે. કર્ણાટકના ઉત્તરીય જિલ્લા મુખ્યાલય બિદરમાં બાઇક પર આવેલા બે અજાણ્યા સશસ્ત્ર લૂંટારુઓએ બે સુરક્ષા ગાર્ડની ગોળી મારીને હત્યા કરી હતી અને ATM રિફિલ કરવા માટે રાખવામાં આવેલા 93 લાખ રૂપિયાની રોકડ લઈને ફરાર થઈ ગયા હતા.