ઉપરાષ્ટ્રપતિ પદ માટે સીપી રાધાકૃષ્ણને ઉમેદવારી નોંધાવી
નવી દિલ્હીઃ ઉપરાષ્ટ્રપતિ પદ માટે NDA ના ઉમેદવાર સીપી રાધાકૃષ્ણને પોતાનું ઉમેદવારીપત્ર ભર્યું છે. આ દરમિયાન પીએમ મોદી, સંરક્ષણ મંત્રી રાજનાથ, ગૃહમંત્રી અમિત શાહ, ભાજપ પ્રમુખ જેપી નડ્ડા તેમજ ભાજપ અને NDA ના ઘણા નેતાઓ તેમની સાથે હાજર રહ્યા હતા.
તમિલનાડુમાં જન્મેલા સીપી રાધાકૃષ્ણન ગૌંડર-કોંગુ વેલ્લાર એટલે કે OBC સમુદાયમાંથી આવે છે. તેઓ તમિલનાડુમાંથી ઉપરાષ્ટ્રપતિ બનનારા ત્રીજા નેતા હશે. તેઓ 1998માં પહેલીવાર સાંસદ તરીકે ચૂંટાયા હતા અને 2023માં ઝારખંડના રાજ્યપાલ બન્યા હતા. 67 વર્ષીય સીપી રાધાકૃષ્ણન હાલમાં મહારાષ્ટ્રના રાજ્યપાલ છે.
અગાઉ, સીપી રાધાકૃષ્ણને કેન્દ્રીય મંત્રીઓ પ્રહલાદ જોશી, કિરેન રિજિજુ, અર્જુન રામ મેઘવાલ, ધર્મેન્દ્ર પ્રધાન વગેરેની હાજરીમાં સંસદ પરિસરમાં મહાત્મા ગાંધીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ઉપરાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી 9 સપ્ટેમ્બરે યોજાવાની છે અને મતગણતરી પણ તે જ દિવસે થશે. ઉમેદવારી નોંધાવવાની છેલ્લી તારીખ 21 ઓગસ્ટ છે, જ્યારે ઉમેદવારો 25 ઓગસ્ટ સુધી પોતાનું નામાંકન પાછું ખેંચી શકે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં રાજ્યસભાના 233 ચૂંટાયેલા સાંસદો, રાજ્યસભામાં 12 નામાંકિત સાંસદો અને લોકસભાના 543 સાંસદો મતદાન કરી શકે છે. આ રીતે, કુલ 788 લોકો મતદાન કરી શકે છે.